કંગાળ પાકિસ્તાન હવે ભાડે આપશે PM આવાસ

કંગાળ પાકિસ્તાન હવે ભાડે આપશે PM આવાસ
પીએમ આવાસમાં થશે ફેશન શો જેવા કાર્યક્રમો
ઈસ્લામાબાદ, તા. 3 : આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે પૂરી રીતે કંગાળ થઈ ચૂક્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે. પાકિસ્તાની અર્થવ્યવસ્થ ખાડે ગઈ છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે જેમાં ઈમરાન ખાનની સરકારે પીએમ આવાસને ભાડે આપવાનું એલાન કર્યું છે. ઓગષ્ટ 2019મા પાકિસ્તાનની સત્તારુઢ પાર્ટીએ પીએમના સત્તાવાર આવાસને યુનિવર્સિટીમાં બદલવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પીએમ ઈમરાને આવાસ ખાલી કરી દીધું હતું. જો કે હવે સરકારે વિશ્વવિદ્યાલય બનાવવાની યોજના ટાળી છે અને તેના બદલે આવાસને ભાડે આપીને ત્યાં ફેશન શો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ભાડે આપવાવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાની પીએમ આવાસમાં સાંસ્કૃતિક, ફેશન, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમોની મંજૂરી આપવાનો નિર્ણય ઈમરાન કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો છે.વધુમાં કાર્યક્રમો દરમિયાન પીએમ આવાસમાં અનુશાસન અને મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે માટે બે કમિટિઓ બનાવવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર ફેડરલ કમિટિ ટુંક સમયમાં પીએમ આવાસથી થનારી આવક અંગે પણ ચર્ચા કરશે. કહેવાય છે કે પીએમ હાઉસની બે ગેસ્ટ વિંગ અને લોનને પૈસા ભેગા કરવા ભાડે અપાશે. પીએમ આવાસમાં હાઈ લેવલ ડિપ્લોમેટિક કાર્યક્રમ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સેમિનાર પણ કરાવવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે ઈમરાને પીએમની ખુરશી સંભાળી ત્યારે જ કહ્યું હતું કે સરકાર પાસે એટલા રૂપિયા પણ નથી કે લોક કલ્યાણ માટે જરૂરી યોજનાઓ ચલાવી શકે. ત્યારબાદથી ઈમરાન ખાન બાની ગાલા આવાસમાં રહે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા અમુક વર્ષથી કથળી છે. બજારમાં રોકાણ ન હોવાથી મોંઘવારી વધી રહી છે. આર્થિક સ્થિતિ એવી બની છે કે સરકારી કર્મચારીઓને કરજ લઈને વેતન આપવું પડે છે. ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાપારિક ખોટ વધી ગઈ છે. કારણ કે નિકાસમાં કમી અને આયાતમાં વધારો થયો છે. મે મહિનામાં પાકિસ્તાનમાં મોંઘવારી 10.9 ટકાના શિખરે હતી.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer