સરકારને ઘેરવા વિપક્ષોની ચાય પે ચર્ચા

સરકારને ઘેરવા વિપક્ષોની ચાય પે ચર્ચા
-કોંગ્રેસ પ્રેરિત બ્રેકફાસ્ટ મિટિંગમાં 15 દળના નેતાઓ હાજર
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા.3 : પેગાસસ સહિત મુદ્દે સંસદમાં છેલ્લા ર સપ્તાહથી ચાલી રહેલી વિપક્ષોની ધમાલ વચ્ચે મંગળવારે સવારે 1પ જેટલા વિપક્ષી દળો બ્રેકફાસ્ટ વખતે મળ્યા અને સરકારને ઘેરવા આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી. સંસદમાં ‘પાપડી ચાટ’ મુદ્દે હંગામો છે તો બહાર વિપક્ષી નેતાઓ ચા-નાસ્તો કરી ચર્ચા કરી રહ્યા છે !
ચોમાસુ સત્રમાં વિપક્ષો જાસૂસીકાંડ અને કૃષિ કાયદા મુદ્દે જરાય નમતું જોખવા તૈયાર નથી. તેમનું આક્રમક વલણ યથાવત છે અને હવે સત્રના બાકી રહેતાં સમય અંગે ચર્ચા કરી રણનીતિ ઘડવામાં આવી છે. બેઠકમાં પેગાસસ, કૃષિ કાયદા ઉપરાંત કોરોનાનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાનો મુદ્દો ચર્ચાયો હતો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અગ્રણી નેતાઓ કોન્સ્ટિટયૂટ કલબમાં મળ્યા હતા. આ બેઠકમાં 17 વિપક્ષી દળોને નિમંત્રણ હતુ પરંતુ બસપા અને આમ આદમી પાર્ટી તેમાં સામેલ થયા ન હતા. રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, શિવસેના નેતા સંજય રાઉત, રાજદના મનોજ ઝા, એનસીપીના પ્રફુલ પટેલ, ડીએમકેના કનિમોઝી સહિત 1પ વિપક્ષી દળોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક અંગે ખડગેએ કહ્યંy કે સંસદમાં સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ પર ચર્ચા કરવા બેઠક બોલાવવામાં આવી હતી. વિપક્ષી દળો એકજૂટ છે.
----------
ગૃહમંત્રી અમિત શાહને મળ્યા શરદ પવાર : રાજનીતિમાં હલચલ
  કોંગ્રેસની વિપક્ષને એકજૂથ કરવાની કોશિશ વચ્ચે એનસીપીની ભાજપ નેતાઓ સાથે મુલાકાતથી સવાલો
નવી દિલ્હી, તા. 3 : સંસદના ચોમાસુ સત્ર વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાતમાં ક્યા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેની જાણકારી સામે આવી નથી. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર સામે વિપક્ષ અન્ય વિપક્ષી નેતાઓને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ એનસીપી અને ભાજપ નેતા વચ્ચે નિયમિત બેઠક ઘણા સવાલ ઉઠાવે છે.
એક દિવસ પહેલા જ એનસીપી સાંસદ સુપ્રિયા સુલે અને સુનીલ તટકરેએ પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. સાથે જ સવારે રાહુલ ગાંધી સાથે મુલાકાતમાં પણ સુપ્રિયા સુલેએ ભાગ લીધો હતો. જો કે અમિત શાહ અને શરદ પવાર વચ્ચેની મુલાકાતે રાજકીય હલચલ વધારે તેજ કરી છે.
સુત્રોના કહેવા પ્રમાણે શરદ પવારે પુર અને કોરોનાને લઈને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગયા મહિને શરદ પવારે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને નવગઠિત સહયોગ મંત્રાલય અંગે ચર્ચા કરી હતી. આ અગાઉ એનસીપીએ  વિપક્ષની પક્ષના નેતાઓ સાથે રાહુલ ગાંધી દ્વારા આયોજીત બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સરકારને ઘેરવાની નીતિ બનાવવામાં આવી હતી. જ્યારે આપ અને બસપાએ આ બેઠકથી દુરી બનાવી લીધી હતી.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer