ગોગરામાંથી સેના પાછી ખેંચવા ભારત-ચીન સહમત

ગોગરામાંથી સેના પાછી ખેંચવા ભારત-ચીન સહમત
સહમતિ વચ્ચે ચીનની વધુ એક ચાલ: ગલવાન ઘાટીનો વધુ એક વીડિયો જારી કર્યો
નવી દિલ્હી, તા. 3 : ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ ઉપ્ર ગયા વર્ષના મે મહિનાથી ગતિરોધ ચાલી રહ્યો છે અને હવે સ્થિતિ સામાન્ય બનવા જઈ રહી છે. મોલ્ડો બેઠકમાં સુલેહનો એક માર્ગ નિકળ્યો છે. ભારત અને ચીન પૂર્વી લદ્દાખના ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી પોતાની સેના હટાવવા રાજી થઈ ગયા છે. ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાં બન્ને દેશોની સેના ગયા વર્ષના મે મહિનાથી આમને સામને છે. એક તરફ મોલ્ડો બેઠક અંગે સંયુક્ત નિવેદન જારી થયું છે. તો બીજી તરફ ચીને ગલવાન હિંસાનો એક વીડિયો રિલિઝ કરીને કૂટનીતિ શરૂ કરી છે. આ વીડિયોમાં ભારત અને ચીની સૈનિક વચ્ચે ઝડપ અને પથ્થરમારો થતો જોવા મળી રહ્યો છે.
સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે મોલ્ડોમાં થયેલી 12મા દોરની બેઠકમાં ગોગરા હાઈટ્સમાં સેના પાછી ખેંચવાને લઈને સહમતિ બની ગઈ છે. પેંગોંગ લેક વિસ્તારમાંથી ફેબ્રુઆરી મહિનામાં  સેના હટાવવામાં આવી હતી. ત્યારથી જ ગોગરા હાઈટ્સમાંથી સેના પાછી ખેંચવાનો મુદ્દે પેન્ડિંગ હતો. આ મુદ્દે બન્ને દેશ વચ્ચે સહમતિ બની રહી નહોતી. હવે સહમતિ બન્યા બાદ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. બન્ને દેશોની સેના ટૂંક સમયમાં ગોગરા હાઈટ્સમાંથી પાછી  ખેંચાઈ શકે છે. જો કે હજી પણ  પેટ્રોલિંગ પોઈન્ટ -15 હોટ સ્પ્રિંગ અને દેપસાંગ પ્લેન્સનો વિવાદ ઉકેલાયો નથી. મોલ્ડોમાં બેઠકના અમુક દિવસ બાદ જ ચીને ગલવાન ઘાટીનો એક  વીડિયો જારી કરીને દુનિયામાં પોતાની છબી સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો 48 સેકન્ડનો છે. જેમાં ગલવાન નદી પાસે ભારતીય જવાનોએ મોરચો સંભાળ્યો છે અને ચીની સેનાની પથ્થરબાજીનો જવાબ આપી રહ્યા છે. વીડિયોમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે આમનેસામનેની જંગ પણ જોવા મળી રહી છે. ચીનની ટીવી ચેનલ ઉપર બતાવવામાં આવેલા વીડિયોમાં ગલવાન હિંસામાં માર્યા ગયેલા ચીની સેનાના જવાનના પરિવાર સાથે પણ વાતચીત કરવામાં આવી છે. વીડિયોના એક ભાગમાં જોવા મળી રહ્યું છે કે અમુક ચીની સૈનિક ગલવાન નદીના વહેણમાં પોતાને સંભાળી ન શક્યા અને વહી ગયા હતા.
-----------
ભારત-બંગલાદેશ સીમાએ ઘાત લગાવીને આતંકી હુમલો: બે શહીદ
અગરતાલા, તા.3: ત્રિપુરામાં ભારત-બાંગલાદેશ સીમાએ એનએલએફટીનાં આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)નાં બે જવાન શહીદ થઈ ગયા છે. બીએસએફનાં અધિકૃત નિવેદન અનુસાર ત્રિપુરાનાં ધલાઈ જિલ્લામાં વહેલી સવારે 6.30 કલાકનાં સુમારે પેટ્રોલિંગ વખતે આ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં બીએસએફનાં એક સબઈન્સ્પેક્ટર સહિત બે જવાનનાં મૃત્યુ થયા હતાં. આ હુમલા પછી ભારતીય દળે પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ પાનીસાગર સેક્ટરનાં ચૌમાનુ પોલીસ સ્ટેશન હેઠળ આવતાં વિસ્તારમાં આર.સી.નાથ સીમાચોકી નજીક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત-બંગલાદેશની કુલ 4096 કિ.મી. લાંબી સરહદમાંથી 8પ6 કિ.મી. સરહદી વિસ્તાર ત્રિપુરામાં આવે છે.
-------
કાશ્મીરમાં આતંકી હુમલો : પોલીસકર્મી સહિત 3ને ઈજા
શ્રીનગર, તા. 3 : શ્રીનગરના ખાનયારમાં એક રાજનીતિ દળના નેતાની પોલીસ સુરક્ષા પાર્ટી ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી છે. આ હુમલા બાદ પુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ આતંકી હુમલો જમ્મુ કાશ્મીરમાંથી પાંચ ઓગષ્ટે અનુચ્છેદ 370 દૂર થયાના બે વર્ષ પુરા થવા પહેલા થયો છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા વધારે ચોક્કસ કરવામાં આવી છે.
દરમિયાન કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આવેલા ચંદાજીમાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. બાંદીપોરામાં થયેલી અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. એન્કાઉન્ટર બાદમાં પણ ચાલી રહ્યું હતું અને વધુ ત્રણ આતંકવાદી છુપાયા હોવાની સંભાવના છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમને આતંકવાદી છુપાયા હોવાની બાતમી મળતા તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો હતો.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer