આજથી ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ સામે એસિડ ટેસ્ટ.

આજથી ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ સામે એસિડ ટેસ્ટ.
પાંચ ટેસ્ટની શ્રેણીના પ્રથમ મેચનો આજથી પ્રારંભ: રોહિત સાથે રાહુલ દાવનો પ્રારંભ કરશે
મેચ 3-30થી શરૂ થશે
બર્મિંગહામ, તા.3: વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.
કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.
પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.
ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.
ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer