લવલીના ઇતિહાસ રચવા આજે રિંગમાં ઉતરશે

લવલીના ઇતિહાસ રચવા આજે રિંગમાં ઉતરશે
તૂર્કિની વર્લ્ડ ચેમ્પિયન મુક્કેબાજ વિ. સેમિ ફાઇનલમાં સામનો
સવારે 11-00 વાગ્યે બાઉટ
ટોક્યો, તા.3: ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારત માટે ચંદ્રક નિશ્ચિત કરી ચૂકેલી મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન 69 કિલો વર્ગના સેમિ ફાઇનલમાં તૂર્કિની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર બુસેનાજ સુરમેનેલી સામે રીંગમાં ગોલ્ડના લક્ષ્ય સાથે ઉતરશે. લવલીના આ મુકાબલો જીતીને ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય મુક્કેબાજ બનવાની કોશિશ કરશે. આસામની આ 23 વર્ષીય ખેલાડી પાસે ઇતિહાસ રચવાની તક છે. તે ચંદ્રક પાકો કરવા સાથે વિજેન્દરસિંઘ (2008) અને મેરિકોમ (2012)ની બરાબરી કરી ચૂકી છે. લવલીનાનો પાછલા 9 વર્ષમાં ભારત માટે આ પહેલો ઓલિમ્પિક ચંદ્રક હશે. તેણીનું લક્ષ્ય વિશ્વ વિજેતા તૂર્કિની મુક્કેબાજને પછડાટ આપી ફાઇનલમાં પહોંચવાનું છે.
લવલીનાએ કહયું છે કે ચંદ્રક તો પાકો છે, પણ મારું લક્ષ્ય સુવર્ણ છે. હું કોઈ પણ પ્રકારના દબાણ વિના રિંગમાં ઉતરીશ. મને વિશ્વાસ છે કે શાનદાર દેખાવ કરીશ. કવાર્ટર ફાઇનલમાં લવલીનાએ ચીની તાઇપેની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નીન ચિન ચેનના હાર આપી સેમિમાં જગ્યા બનાવી હતી. સેમિમાં તેની હરીફ તૂર્કિની સુરમેનેલી પણ 23 વર્ષની છે અને આ વર્ષે ઇન્ટરનેશનલ લેવલે બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. બન્ને રિંગમાં પહેલીવાર આમને-સામને હશે. આ મુકાબલો બુધવારે સવારે 11-00 વાગ્યાથી શરૂ થશે

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer