આર્જેન્ટિનાને આંચકો આપી ફાઇનલમાં પહોંચવાનું લક્ષ્ય

આર્જેન્ટિનાને આંચકો આપી ફાઇનલમાં પહોંચવાનું લક્ષ્ય
આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય મહિલા હોકી ટીમની સેમિમાં આજે આર્જેન્ટિના વિ. ટક્કર
મેચ બપોરે 3-30થી શરૂ થશે
ટોક્યો, તા.3: ભારતીય મહિલા હોકી ટીમ પહેલા જ ઈતિહાસ રચી ચૂકી છે. હવે તેનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિકાના સેમિ ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવી ગોલ્ડ મેડલના મુકાબલામાં પહોંચી પોતાની ઉપલબ્ધિઓને ચરમ પર પહોંચાડવાનું રહેશે. ભારતની રાની રામપાલના સુકાનીપદ હેઠળની 18 ખેલાડીની ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને ઓલિમ્પિકમાં પહેલીવાર સેમિ ફાઇનલમાં પહોંચી છે. ડ્રેગ ફિલ્કર ગુરજીત કૌરે 22મી મિનિટે કરેલો ગોલ નિર્ણાયક સાબિત થયો હતો. હવે ભારતીય મહિલા ટીમની નજર વિશ્વ નંબર બે ટીમ આર્જેન્ટિનાને આંચકો આપીને ફાઇનલમાં પહોંચવાનો છે. આ મુકાબલો બુધવારે બપોરે 3-30થી શરૂ થશે. જ્યારે ગ્રેટ બ્રિટન અને નેધરલેન્ડસ વચ્ચેનો પહેલો સેમિ ફાઇનલ બુધવારે સવારે 7-00 વાગ્યાથી શરૂ થશે.
ભારતીય મહિલા હોકી ટીમનો અગાઉ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ દેખાવ 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં રહ્યો હતો. ત્યારે 6 ટીમ વચ્ચે ચોથા નંબરે રહી હતી. આ વખતે સેમિ ફાઇનલમાં પહોંચનાર ભારતીય મહિલા ટીમની નજર હવે આર્જેન્ટિનાને હાર આપીને ફાઇનલમાં પહોંચવા પર છે. પુરુષ ટીમની સેમિમાં હાર બાદ હવે તમામની નજર મહિલા ટીમ પર છે. ઓલિમ્પિકના સારા દેખાવને લીધે મહિલા ટીમ પહેલીવાર સાતમા ક્રમે પહોંચી છે. જે તેની શ્રેષ્ઠ છે.
આર્જેન્ટિનાની મહિલા ટીમ 2000ના સિડની અને 2012ના લંડન ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીતી ચૂકી છે. તે 2012 પછી પહેલીવાર અંતિમ ચારમાં પહોંચી છે. તેણે કવાર્ટર ફાઇનલમાં જર્મનીને 3-0થી હાર આપી હતી.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer