સુવર્ણનું સપનું તૂટયું, હવે કાંસ્યની આશ

સુવર્ણનું સપનું તૂટયું, હવે કાંસ્યની આશ
વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે ભારતીય પુરુષ હોકી ટીમની 2-5થી હાર: જર્મની વિરૂધ્ધ કાલે કાંસ્ય ચંદ્રક મુકાબલો
ચાર દશક બાદ ઓલિમ્પિકના પોડિયમ સુધી પહોંચવાની હજુ તક
બેલ્જિયમ તરફથી ડ્રેગ ફિલકર હેંડ્રિક્સની હેટ્રિક: ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
ટોક્યો, તા.3: ભારતીય હોકી ટીમનું 41 વર્ષ બાદ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતવાનું સપનું તૂટયું છે. આજે રમાયેલા સેમિ ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વ નંબર બે ટીમ બેલ્જિયમ વિરૂધ્ધ ભારતીય પુરુષ હોકી ટીમની 2-પથી હાર થઇ હતી. જો કે ભારત હજુ કાંસ્ય ચંદ્રકની દોડમાં છે અને ટોક્યો ઓલિમ્પિના પોડિયમ સુધી પહોંચવાની તક છે. કાંસ્ય ચંદ્રકના મુકાબલામાં ભારતની ટક્કર જર્મની સામે થશે. બીજા સેમિ ફાઇનલમાં જર્મની વિ. ઓસ્ટ્રેલિયાનો 3-1 ગોલથી શાનદાર વિજય થયો હતો.
ભારતીય હોકી ટીમ 49 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિ ફાઇનલમાં પહોંચી હતી, પણ બેલ્જિયમની બાધા પાર થઇ શકી ન હતી. ભારતે છેલ્લે 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીતવાની સોનેરી તક છે.
આજના સેમિ ફાઇનલમાં એક સમયે ભારત 2-1ની સરસાઇ પર હતું, પણ બેલ્જિયમે અંતિમ 11 મિનિટમાં પાસા પલટાવીને ધડાધડ ત્રણ ગોલ કરીને મેચ પ-2થી જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યોં હતો. રિયો ઓલિમ્પિકની રજત ચંદ્રક વિજેતા બેલ્જિયમની ટીમ તરફથી ડ્રેગ ફિલ્કર એલેકસાંદ્ર હેંડ્રિક્સે 19મી, 49મી અને પ3મી મિનિટે ગોલ કરીને હેટ્રિક રચી હતી. આ સિવાય લોઇફ લયપર્ટે મેચની બીજી મિનિટે અને જોન જોન ડોહમેને મેચની આખરી 60 મિનિટે ગોલ કર્યાં હતા. જ્યારે ભારત તરફથી હરમનપ્રિત સિંઘે સાતમી અને મનદિપસિંહે આઠમી મિનિટે ગોલ કર્યાં હતા. ભારતના બન્ને ગોલ પહેલા કવાર્ટરમાં થયા હતા.
ખાસ વાત એ રહી હતી કે સેમિ ફાઇનલમાં બેલ્જિયમે પાંચમાંથી ચાર ગોલ પેનલ્ટી કોર્નરથી કર્યાં હતા. વિશ્વ વિજેતા ટીમ ભારતના ડિફેન્સ ખેલાડીઓ પર સતત દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા. બેલ્જિયમને 14 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જેમાંથી તેમણે ચારને ગોલમાં તબદીલ કર્યાં હતા. આ સામે ભારતને પાંચ પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જેમાંથી એકમાં જ ગોલ થયો હતો.
આખરી ત્રણ મિનિટેમાં બે ગોલથી પાછળ રહેવાથી ભારતે ગોલકીપર શ્રીજેશને હટાવીને વધુ એક ફોરવર્ડ ખેલાડીને રમાડવાનો જુગાર ખેલ્યો હતો. ભારતના ઓપન ગોલ પોસ્ટનો લાભ લઇને અંતિમ મિનિટે ડોડમેને આસાનીથી ફિલ્ડ ગોલ કર્યોં હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer