સુરતના બિલ્ડર સાથે 1.35 કરોડની ઠગાઈ

37 લાખ રોકડા અને 98.50 લાખના ચેક મેળવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ
સુરત, તા.3: સુરત સરથાણા જકાતનાકા ટેકસટાઈલના વેપારી અને બિલ્ડર સાથે ગાંધીનગરના ઠગે અન્ય વ્યક્તિની માલિકીની ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી લીઝ પોતાની હોવાનું કહી રૂ.37 લાખ રોકડા અને રૂ. 98.50 લાખના ચેકો મેળવી લઈ વિશ્વાસઘાત ર્ક્યો હતો. આ અંગે ગાંધીનગરના ઠગ વિરૂધ્ધ સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ આપી હતી.
સરથાણા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણાના જકાતનાકા શ્યામધ્યામ મંદિર પાસે શેરી નં. 3, પંચવટી સોસાયટીમાં રહેતા હરેશભાઇ વ્રજલાલ રાદરીયા ટેક્સટાઇલ અને કન્સ્ટ્રશનના વ્યવસાય સાથે સંકાળયેલા છે. હરેશ રાદરિયાના મિત્ર રમેશ ખેર મારફત ગાંધીનગર જિલ્લાના પટેલ નિવાસ નિશાળ પાછળ રહેતા પંકજભાઇ રણછોડભાઇ પટેલ સાથે મુલાકાત થઇ હતી. ગાંધીનગરના પંકજ પટેલે પોતાના માલિકીની ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં રેવેન્યુ સર્વે નં. 15 થી 20ને લાગુ 5 હેકટર વાળી બ્લોક નં. બીની લીઝ આપેલી છે. તેવું હરેશ રાદરિયાને જણાવ્યું હતું. 
આ લીઝ અને ચોખ્ખી અને ટાઇટલ ક્લિયર હોવાનું પણ પંકજ પટેલ વિશ્વાસ આપ્યો હતો. જોકે આ લીઝ ગાંધીનગરના અન્ય વ્યક્તિની માલિકીની હતી. અને આ ગામના લોકોનો વિરોધ હોવાથી લીઝ બંધ રહેતી હતી. આ તમામ હકીકતો છૂપાવી પંકજ પટેલે અન્ય માલિકીની લીઝ પોતાની હોવાનું હરેશ રાદરિયાને વિશ્વાસમાં લઇ રૂ. 1.35 કરોડનો સોદો કર્યો હતો. દરમિયાન બાના પેટે હરેશ રાદરિયાએ રૂ. 37 લાખ રોકડા અને રૂ. 98.50 લાખના ચેકો આપ્યા હતા. આ દરમિયાન હરેશ રાદરિયાને આ લીઝ ગાંધીનગરના કોઇ વણઝારાની માલિકીનું છે. અને લીઝ ચાલુ કરવા બાબતે ગામના લોકો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળતા તેમની સાથે પંકજ પટેલે વિશ્વાસઘાત કર્યો હોવાનું માલુમ પડયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer