ધ્રોલનાં લતીપર ગામે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા

જામનગર, તા.3: ધ્રોલ તાલુકાનાં લતીપર ગામે એક યુવાનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દેતા સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે. ધ્રોલ તાલુકાનાં લતીપર ગામે રહેતા ધનજીભાઈ દામજીભાઈ જોગલ (ઉ.45) નામના યુવાનની ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હત્યારાઓએ યુવાનના માથાના ભાગે કુહાડી, છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. જ્યાં થોડી જ ક્ષણોમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી તાત્કાલિક નાશી છૂટયા હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે જઈ મૃતકના મોબાઇલના સહારે તપાસ હાથ ધરી છે. હત્યાનું કારણ હજુ સુધી અકબંધ હોવાથી પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તથા અજાણ્યા હત્યારાઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથધરી છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer