ક્રુડના ભાવ ઘટયા છતાં પેટ્રોલના વધ્યા ?

ક્રુડના ભાવ ઘટયા છતાં પેટ્રોલના વધ્યા ?
મોદી સરકારે 7 વર્ષમાં ક્રુડ ઘટાડાનો લાભ લોકોને આપ્યો જ નથી
નવી દિલ્હી, તા. 21 :  77 ડોલર સુધી પહોંચ્યા બાદ હવે ક્રૂડ તેલ એકવાર ફરી 70 ડોલર પ્રતિ બેરલ નીચે આવી ગયું છે. વિતેલા 2-3 દિવસમાં કાચું તેલ 70 ડોલર સુધી નીચે  આવી ગયું છે. આમ છતાં સરકારે પેટ્રોલ ડિઝલની કિંમતોમાં ઘટાડો નથી કર્યો.
વિતેલા 7 વર્ષમાં મોદી સરકારે લોકોને કાચું તેલ સસ્તું થવાનો ફાયદો નથી આપ્યો. મોદી સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે કાચું તેલ 107 ડોલર પ્રતિ બેરલ પર હતું.
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલીસીસ સેલના જણાવ્યા અનુસાર મે-2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે પેટ્રોલની બેઝ પ્રાઇઝ 47.12 રૂા. પ્રતિ લીટર હતી જે જુલાઇ 2021માં ઘટીને 41 રૂપિયા રહી ગઇ. એટલે કે તેમાં ઘટાડો થયો, પરંતુ ત્યારથી લઇને આજ સુધી પેટ્રોલની કિંમત 43 ટકા સુધી વધી ચૂકી છે. મે-2014માં દિલ્હીમાં  પેટ્રોલ 71.41 રૂપિયા હતું, જે હવે 101.84 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.
મોદી સરકારમાં બેઝ પ્રાઇઝ ઓછી થઇ છે, તો પેટ્રોલ-ડીઝલ મોંઘા કેવી રીતે છે ? એનું કારણ એ છે કે, પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં વધારો થયો છે. મે-2014થી લઇને અત્યાર સુધીમાં 13 વખત પેટ્રોલ-ડીઝલ પર લાગતો ટેક્સ એટલે કે એક્સાઇઝ ડયૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એમાં માત્ર 3 વાર કાપ મૂકવામાં આવ્યો છે. સરકારે છેલ્લે  મે-2020માં એક્સાઇઝ ડયૂટી વધારી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer