વિશ્વમાં 15 લાખ બાળકોએ કોરોનાથી માતા-પિતાને ગુમાવ્યા

વિશ્વમાં 15 લાખ બાળકોએ કોરોનાથી માતા-પિતાને ગુમાવ્યા
ભારતમાં 1.20 લાખ બાળકોએ માતા-પિતા અથવા બન્નેમાંથી એકના મૃત્યુનો સામનો કર્યો
વોશિંગ્ટન, તા. 21 : ભારતના 119000 બાળકો સહિત દુનિયાભરમાં 15 લાખથી વધારે બાળકોએ કોરોનાના કારણે ઓછામાં ઓછા એક માતા-પિતા, કસ્ટોડિયલ દાદા-દાદી અથવા દાદા-દાદીને ગુમાવ્યા છે. આ જાણકારી ધ લાન્સેટમાં પ્રકાશિત નવા અભ્યાસ મુજબ પ્રકાશિત કરવામાં આવી છે. અભ્યાસનું અનુમાન છે કે મહામારીના પહેલા 14 મહિનામાં 10 બાળકોના માતા અથવા પિતા અથવા બન્નેનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય પાંચ લાખ બાળકોએ પોતાના જ ઘરમાં રહેતા દાદા-દાદીના મૃત્યુ જોયા છે.
ભારતમાં શોધકર્તાઓનું અનુમાન છે કે માર્ચ 2021ની તુલનાએ એપ્રિલ 2021માં અનાથ બાળકોની સંખ્યામાં 8.5 ગણો વધારો થયો છે. જે બાળકોએ માતા પિતા અથવા દેખભાળ કરનારાને ગુમાવ્યા છે. તેના સ્વાસ્થ્ય, સુરક્ષા ઉપર ઉંડી અસર પડી છે. યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન કોવિડ રિસ્પોન્સ ટીમમાં મુખ્ય લેખક ડો. સુસન હિલિસે કહ્યું હતું કે, દુનિયાભરમાં દરેક કોવિડ મૃત્યુથી માતા-પિતા કે દેખરેખ કરનારાની મૃત્યુનો સામનો કરનારું એક બાળક હોય છે.
પ્રાથમિક દેખરેખ કરનારાઓને ગુમાવનારા બાળકોની સૌથી વધારે સંખ્યા ધરાવતા દેશોમાં દક્ષિણ આફ્રિકા, પેરુ, અમેરિકા, ભારત, બ્રાઝિલ અને મેક્સિકો સામેલ છે.
-------------
39 દિવસે ચાર હજાર નજીક મૃત્યુ
મહારાષ્ટ્રમાં આંકડા સુધારાતાં આંક વધ્યો, પાછા
40 હજારથી વધુ નવા દર્દી; 41.54 કરોડને મળી રસી
નવી દિલ્હી, તા. 21 : સંક્રમણ અને મરણના આંકમાં ઘટાડો થવા માંડતાં હાશકારા વચ્ચે બુધવારે ભારતમાં 39 દિવસ બાદ ચાર હજાર નજીક મોત થયા હતા, તો ફરી 40 હજારથી વધુ નવા દર્દી સામે આવતાં નવેસરથી ઉચાટ ફેલાયો છે. મહારાષ્ટ્રમાં 14મી વાર આંકડા સુધારવાની કવાયત હાથ ધરાતાં આ રાજ્યમાં 3509 સહિત દેશભરમાં બુધવારે વધુ 3998 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં અત્યાર સુધી કુલ 4,18,480 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.
દેશમાં આજે 42,015 નવા દર્દીનો ઉમેરો થતાં કુલ સંક્રમિતોની સંખ્યા 3.12 કરોડને આંબી, 3 કરોડ, 12 લાખ, 16,337 થઈ ગઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer