ગઢડા ગોપીનાથજી મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે તકરાર

પોલીસે 4 પાર્ષદોની અટકાયત કરી 
ગઢડા, તા.21:ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનું તીર્થ ધામ ગણાતુ ગોપીનાથજી મંદિર આવેલું છે. પરંતુ ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચુંટણી બાદ દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે મંદિર કંઈકને કંઈક વિવાદમાં આવે છે. ત્યારે ફરી એકવાર મંદિર વિવાદમાં આવ્યુ છે. ગોપીનાથજી મંદિરના ભોજનાલયમાંજ દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે તકરાર થઈ હતી. 
આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ જુના મંદિર જે ગોપીનાથજી દેવ મંદિર તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધ છે. જિલ્લાના લાઠીદડ ગામે આવેલ ગુરુકુળ દ્વારા એક સ્વામિની તીથીને લઈને ગઢડા ગોપીનાથજી મંદિરે રસોઈ હતી. તે દરમ્યાન ગોપીનાથજી મંદિરના ભોજનાલયમાં જમણવાર શરૂ હતું તે દરમ્યાન વચ્ચે ચાલવાના મામલે દેવ પક્ષના સંતો અને આચાર્ય પક્ષના પાર્ષદો બાખડયા હતા. ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જેથી પોલીસને જાણ થતા ગઢડા પોલીસ કાફલો મંદિર પહોંચ્યો હતો.
આ બાબતે દેવ પક્ષના બાલ સ્વરુપ સ્વામીએ આચાર્ય પક્ષના પાર્ષદો સહિત કુલ પાંચ ભગતો વિરુદ્ધ ગઢડા પોલીસમાં અરજી આપતા ગઢડા પોલીસે પાર્ષદ મૌલીક ભગત, કિર્તિ ભગત, નિતીન ભગત, હરિકૃષ્ણ ભગત અને મેહુલ ભગત વિરુદ્ધ અરજીને લઈને ગઢડા પોલીસે 4 પાર્ષદોની અટકાયત કરી હતી તેમજ સામા પક્ષે પણ આચાર્ય પક્ષ દ્વારા પોતાની વાત સાંભળવા અને ફરિયાદ લેવા આગ્રહ રાખવામાં આવેલ હોવાનું અને તે બાબતે કોઈ અપડેટ નહી હોવાનું પણ જાણવા મળેલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer