નેતન્યાહુની વિદેશ યાત્રાઓથી પેગાસસ પ્રસર્યો

નેતન્યાહુની વિદેશ યાત્રાઓથી પેગાસસ પ્રસર્યો
ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાનને સાયબર હથિયારને પ્રમોટ કર્યું
તેલ અવીવ, તા.ર1 : ઈઝરાયલના જાસૂસી સોફટવેર ‘પેગાસસ’ અંગે થયેલા ખુલાસાથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કરાયેલી જાસૂસીમાં પ0 હજાર ફોનને નિશાન બનાવવામાં આવ્યાનું કહેવાય છે જેમાં 600થી વધુ વરિષ્ઠ નેતા અને સેંકડો પત્રકાર સામેલ છે.
અહેવાલ અનુસાર ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુની સરકાર એનએસઓ ગ્રુપના આ જાસૂસી સોફટવેરને પ્રમોટ કરી રહી હતી. ભારતથી માંડી સાઉદી સુધી જે જે દેશ સાથે નેતન્યાહુએ ઘરોબો રાખ્યો અને મુલાકાત લીધી ત્યાં ત્યાં આ સોફટવેરની જાસૂસી નેટવર્ક પથરાતું ગયું હતું. ઈઝરાયલી અખબાર હારિત્ઝ અનુસાર નેતન્યાહુ સરકાર વિદેશી સરકારો પર પેગાસસ સોફટવેર ખરીદવાપર ભાર મૂકતી હતી. જે દેશમાં એનએસઓ ને ધંધો કરવામાં મુશ્કેલી ઉભી થાય ત્યાં નેતન્યાહુ સરકાર મોરચો સંભાળી લેતી હતી. તત્કાલિન ઈઝરાયલી વડાપ્રધાન પોતાની વિદેશ યાત્રાઓ વખતે ઈઝરાયલના જાસૂસી હથિયારોનું પૂરજોશ સમર્થન કરતાં હતા. ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલયના પ્રયાસોને કારણે સાઉદી અરબે આખરે મોટો કોન્ટ્રાકટ  આપ્યો હતો. એવુ કહેવાય છે કે નેતન્યાહુની ભારત યાત્રા બાદ ભારતમાં પણ પેગાસસનો પગપેસારો થઈ ગયો હતો.
---------------
ઈમરાનની જાસૂસી, મોદી મદદગાર : પાક.મંત્રી
ઈસ્લામાબાદ, તા.ર1 : ભારતની જેમ પાકિસ્તાનમાં પણ ઈઝરાયલી સોફટવેર પેગાસસનું જાસૂસીકાંડ ગાજ્યુ છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફર્રુખ હબીબે શંકા વ્યક્ત કરી છે કે પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફના કાર્યકાળમાં ઈમરાન ખાનનો ફોન હેક કરાયો હતો. નવાઝ શરીફે પોતાના મિત્ર નરેન્દ્ર મોદી દ્વારા ઈઝરાયલી સોફટવેરની મદદથી ઈમરાન ખાનનો ફોન હેક કરાવ્યો હતો.
હબીબે મંગળવારે ફૈસલાબાદમાં આયોજિત એક સંમેલનમાં કહ્યુ કે મોદી સરકાર પણ એનએસઓ ગ્રુપના ગ્રાહકોમાં સામેલ છે. નવાઝ શરીફે મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો પરંતુ જમ્મુ-કાશ્મીરના હુર્રિયત નેતાઓને મળ્યા ન હતા. દેશમાં હવે એવો સવાલ ઉઠયો છે કે શા માટે ઈમરાન ખાનનો ફોન હેક કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે નવાઝ શરીફનો જજોના ફોન ટેપિંગ કરાવવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer