ગુજરાતનો ભાવિ મુખ્યમંત્રી કોણ? એ કોઈ સમાજ નહીં પણ પક્ષ નક્કી કરશે: વજુભાઈ

ગુજરાતનો ભાવિ મુખ્યમંત્રી કોણ? એ કોઈ  સમાજ નહીં પણ પક્ષ નક્કી કરશે: વજુભાઈ
-આંખના ઓપરેશનના વિરામ બાદ 15 ઓગસ્ટ પછી સૌરાષ્ટ્રના પાણીદાર નેતા ફરી રાજકારણમાં સક્રિય થશે : ફૂલછાબ સાથેની વાતચીતમાં પોતાના ‘ખુશમિજાજ’ સ્વભાવમાં કરી સત્તાવાર જાહેરાત
રાજકોટ તા.21 : ‘િકંગ કેન ડુ નો રોંગ’..રાજા ક્યારેય ખોટું કરતો નથી તેમ મારે પણ મારો કર્મયોગ કરતા રહેવાનું છે અને હું જીવનના છેલ્લા શ્વાસ સુધી એ કરતો રહીશ અને ગુજરાતના ભવિષ્યના મુખ્યમંત્રી કોઈ સમાજ નહીં પરંતુ પક્ષ નક્કી કરશે તેવું આજરોજ રાજકોટના પાણીદાર નેતાઓ પૈકીના એક તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ ફૂલછાબ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીના મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે 8 નવા રાજ્યપાલની તાજેતરમાં નિયુક્તિ કરવામાં આવી છે જેમાં કર્ણાટકના રાજ્યપાલ તરીકે થાવરચંદ ગેહલોતની નિમણૂક થતાં હવે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ 7 વર્ષ બાદ રાજકોટ ઘરવાપસી કરી છે. વજુભાઈએ આંખમાં નેત્રમણી ઉતરાવી છે અને હજુ 15 ઓગસ્ટ સુધી તેઓ આરામમાં છે ત્યારે ફૂલછાબ સાથેની ટેલીફોનિક વાતચીતમાં તેમણે રાબેતા મુજબના ‘ખુશમિજાજ’ અને રમૂજી સ્વભાવમાં મન મોકળુ કરીને પોતાના ભાવિ આયોજન વિષે વાત કરી હતી.
વજુભાઈએ જણાવ્યું હતું કે, ‘મને મારા રાજકીય જીવનમાં અનેક વખત વગદાર પદ મળ્યાં છે પરંતુ હું ક્યારેય નેતા રહ્યો જ નથી, મેં હંમેશા કાર્યકરની ભૂમિકા ભજવી છે, ‘હું ભાજપનો સભ્ય હતો, છું અને ભવિષ્યમાં પણ રહીશ. ભાજપના જે સભ્યો કામ કરે છે તે મારે કરવાના છે. અત્યાર સુધી હું રાજ્યપાલ હતો, રાજ્યપાલને અમુક મર્યાદામાં રહીને કામ કરવું પડતુ હતું પરંતુ હવે હુ ફરી પક્ષના કાર્યકરની સક્રિય ભૂમિકામાં આવી ગયો છું. 15 ઓગસ્ટ પછી પાર્ટીના આગેવાનો પછી તે શહેરના હોય કે, જિલ્લા કે, પ્રદેશ કક્ષાના તેઓ સાથે મળીને તેઓ જે કહેશે તે કામગીરી કરવા માટે હું તૈયાર છું.’
સૌરાષ્ટ્રમાં પાટીદાર પોલીટિક્સ પ્રેશર અંગે પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તો એવું જ ચાલતુ આવ્યું છે કે, પહેલા ધારાસભ્યો ચૂંટાય છે, બાદમાં પાર્ટીમાં બધા ભેગા મળીને ચૂંટાયેલા ધારાસભ્યો કહે તેને મુખ્યમંત્રી બનાવવામા આવ્યાં છે.  મુખ્યમંત્રી કોણ બનશે તે પાર્ટીના લોકો પહેલેથી જ નક્કી કરી નાખે છે અને જે ચહેરો ફાઈનલ થાય તેના નામની જ ચૂંટણી થાય છે. ભવિષ્યમાં ગુજરાતનો મુખ્યમંત્રી કોણ બનશે તે કોઈ સમાજ નહીં પરંતુ પાર્ટી જ નક્કી કરશે તેવું તેમણે ઉમેર્યુ હતું.
-------------
રાજકોટમાં ભૂતકાળની પાણીની સમસ્યાને પણ વાળાએ વાગોળી
‘પાણીદાર નેતા’ વજુભાઈ વાળાએ એક સમયની રાજકોટની પાણીની સમસ્યાઓ અને આજે ભાજપના કાર્યકાળમાં એ સમસ્યાઓ ભૂતકાળ બની ગયાનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે, 1980માં જ્યારે મેયર તરીકે ચૂંટાઈ આવ્યો ત્યારે પાણીની અછત હતી, રેલવે મારફત અમે પાણીની વ્યવસ્થા કરી હતી આવી વિકટ સ્થિતિમાં પણ ક્યારેય રાજકોટની પ્રજાને હિજરત કરવા દીધી ન હતી. એકપણ બાંધકામ પણ પાણીના વાંકે અટક્યું ન હતું. એકપણ હોસ્પિટલ કે શાળાઓ પણ બંધ રહી ન હતી. પ્રજાએ પણ પૂરતો સાથ આપ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer