સૂર્ય ઉર્જામાંનું રોકાણ કાળી અમાસ જેવું થયું !સોલાર પાવરમાં પ્રોજેક્ટમાં સબસીડી બંધ કરતા રોકાણકારોની માઠી દશા


બે કરોડનો એક એવા 4 હજાર જેટલા પ્રોજેકટ PGVCLમાં રજિ. થઈ ગયા, પ્રોજેક્ટ દીઠ 4.65 લાખનું રોકાણ થઈ ગયા બાદ સબસિડી બંધ
રાજકોટ, તા. 21: (ફૂલછાબ ન્યુઝ) સૂર્ય ઉર્જામા મસમોટું રોકાણ નફાના પ્રકાશને બદલે અંધારા ઉતારી જાય તેવો ઘાટ રોકાણકારોનો થયો છે. રાજ્ય સરકારે એમએસએમઈ સોલાર પાવર પ્રોજેક્ટની સબસિડી બંધ કરવાની જાહેરાત કરતા આ પ્રોજેક્ટમાં રોકાણકારોની માઠી દશા થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા સોલાર પાવરને પ્રોત્સાહન મળે તેમજ રાજ્યના અતિ પછાત વિસ્તારોમાં રોકાણ થાય તેવા હેતુથી લઘુ ઉદ્યોગ ખાતા હેઠળ ગુજરાત ઉર્જા વિદ્યુત નિગમ લિમીટેડ (જીયુવીએનએલ) મારફત સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુશન સોલાર પાવર પ્લાન્ટ નામની યોજના જાહેર કરી હતી. જેમાં સોલાર ઉત્પાદન પ્લાન્ટ નાંખવામાં આશરે ર કરોડ રૂપિયાનું રોકાણ હતું. પ્લાન્ટમાં ઉપ્તાદન થનાર ઉર્જા વીજ તંત્ર દ્વારા રપ વર્ષ માટે 2.83 રૂપિયા પ્રતિ યુનિટ દીઠ ખરીદશે એ માટેના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) પણ થઈ ગયા હતા. આ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ રોકાણકારો માટે સબસિડી હતું. રાજ્યના અતિ પછાત વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપનારને એક પ્રોજેક્ટ દીઠ 35 લાખ રૂપિયા, મધ્યમ પછાત વિસ્તાર માટે 25 લાખ અને વિકસીત વિસ્તારમાં 20 લાખ રૂપિયા સબસિડી જાહેર કરી હતી. જેથી અતિ પછાત વિસ્તારમાં ર કરોડના રોકાણ સામે 35 લાખ રૂપિયા સરકાર તરફથી પરત મળવાની ધારણા હતી. અને રપ વર્ષ સુધી ઉર્જાનું વેચાણ પણ નિશ્ચિત હતું.
આ પીપીએ મે મહિનાની અંતિમ તારીખ સુધીમાં પીજીવીસીએલમાં જ 4000 જેટલા થયા હતા. સમગ્ર ગુજરાતમાં 8 હજાર જેટલા પીપીએ થયા હશે. પ્રત્યેક એગ્રીમેન્ટ ઓછામાં ઓછો ર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો હતો. જેના માટે રોકાણકારોએ સોલાર પાવર કંપની બનાવવાની હતી. મોટાભાગના રોકાણકારોએ આ તમામ પ્રક્રિયા કરી લીધી હતી, અથવા કામગીરી ચાલતી હતી. એક પીપીએ રજિસ્ટર કરવા બદલ 4.65 લાખ રૂપિયા જેટલી ડીપોઝીટ પીજીવીસીએલને ચુકવાઈ હતી.
દરમિયાન તાજેતરમાં એકાએક આ સબસિડી બંધ કરવાનો પરિપત્ર બહાર પડાયો હતો. જેના ઉપર સમગ્ર દારોમદાર હતો એ સબસિડી બંધ થઈ જતા રોકાણકારોની માઠી દશા થઈ છે. પીપીએ દીઠ સાડા ચાર લાખનો ખર્ચ થઈ ગયો છે, કેટલાયે રોકાણકારોએ જમીન ખરીદી લીધી છે, કેટલાકે જમીન ફરતે ફેન્સીંગ કરી લીધી છે, ખેતીની જમીનને બિનખેતી કરી છે ત્યારે હવે છેલ્લી ઘડીએ ઉદ્યોગ મંત્રાલયે સોલાર પાવરને લઘુ ઉદ્યોગના દરજ્જામાંથી બાકાત કરતા સબસિડી બંધ થઈ હોવાનું જાણવા મળે છે. આથી રોકાણકારોને ડિપોઝીટની રકમ પાછી મળશે કે કેમ તે પણ નક્કી નથી.
લઘુ ઉદ્યોગકારો માટે બે કરોડનું રોકાણ મોટું હોવાથી નાના રોકાણકારોએ પાર્ટનરશીપ કરીને આ પ્રોજેક્ટમાં ઝંપલાવ્યું હતું. હવે સબસિડીના વાંકે સમગ્ર પ્રોજેક્ટનું ભાવિ અધ્ધરતાલ થયું છે. આ મામલે સરકારના નિર્ણય પર મીટ મંડાઈ છે.
નોંધનીય છે કે આ યોજના થકી 25 હજાર જેટલા લોકોને રોજગારી મળવાની આશા બંધાઈ હતી. તેમજ સરકારને 80 પૈસા પ્રતિ યુનિટ સસ્તી વીજળી મળે એમ હતી. હવે આ યોજનાનું ભાવિ અધ્ધરતાલ છે. સબસિડી બંધ થતા રોકાણકારો આ યોજનામાં આગળ વધશે કે કેમ તે અનિશ્ચિત છે. તેમ જ તેમના રોકાયેલા નાણાં પરત મળશે કે ગુમાવવા પડશે તે પણ મોટો સવાલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer