વિદ્યાર્થીઓ સમાજ-રાષ્ટ્રને સમર્પિત બને: રૂપાણી

વિદ્યાર્થીઓ સમાજ-રાષ્ટ્રને સમર્પિત બને: રૂપાણી
-નરસિંહ મહેતા યુનિ.નો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો : ભાગવતાચાર્ય ભાઈશ્રીને ડોકટરેટથી સન્માનિત
જૂનાગઢ, તા. 21 : (ફૂલછાબ ન્યુઝ) યુવાશક્તિ પોતાના જ્ઞાન, શિક્ષા-દિક્ષાનો સદઉપયોગ રાષ્ટ્રહિત અને સમાજ માટે કરી સમર્પિત થવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નરસિંહ મહેતા યુનિ.ના પ્રથમ પદવીદાન સમારોહમાં પદવી ધારકોને આહવાન કર્યુ હતું.
નરસિંહ મહેતા યુનિ.નો પ્રથમ પદવીદાન સમારોહ કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમાં યુનિ.સંલગ્ન 162 કોલેજોના 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને વિવિધ 6 ફેકલ્ટીમાં  પદવીઓ અને તજજ્ઞતા પ્રાપ્ત 43 દિકરીઓ સહિત 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનીત કરાયા હતાં. તેમજ પોરબંદર સાંદીપની ગુરૂકુળ આશ્રમના પ્રણેતા અને પ્રસિધ્ધ ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને આ યુનિ.દ્વારા ડોકટરેટની પદવી પણ મુખ્યમંત્રીએ એનાયત કરી હતી.
આ અવસરે મુખ્યમંત્રીએ યુવા શક્તિને પ્રેરણા આપતા કહ્યું કે કોન્વોકેશન પદવીદાન એ તો ભારતીય ગુરૂકુળ પરંપરામાં સદીઓથી ચાલતી આવતી શિક્ષા દિશાની આગવી વિશેષતા છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પણ ગુરૂવર્યોના આશ્રમમાં રહીને શિક્ષા દિશા મેળવી હતી. તેમણે પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને સ્પષ્ટ પણે જણાવ્યું કે ઘેધુર વડલાની માફક કારકિર્દી ઘડતર અને કેરીયરમાં વિશાળ સમાજહિત વૃટવૃક્ષ જેવા બનવાનું છે. તેમણે ઉમેર્યુ કે, સંસ્કૃત યુનિ. અને યોગ યુનિ.જેવી ભારતીય પરંપરાગત શિક્ષણ પ્રણાલીથી યુવાઓને સજ્જ કરતી યુનિ.ઓ સાથે ગુજરાતએ સમયાનુકુલ શિક્ષણ માટે સેકટરલ યુનિ.ઓ શરૂ કરી છે. તેમાં ફોરેન્સિક, રક્ષા શક્તિ, લો યુનિ.જેવી આધુનિક શિક્ષણ સુવિધાઓ યુવાઓને ઘર આંગણે પુરી પાડી છે.
મુ.મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ યુનિ.નું નામ જેની સાથે જોડાયેલું છે તે ભકતકવિ નરસિંહ મહેતાના ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’નો વિશેષ ઉલ્લેખ કરતાં યુવાનોને તેમના રાહ ઉપર ચાલવા શીખ આપી હતી. પાઠયક્રમની શિક્ષા મેળવ્યા પછી હવે માં ધરતીને વિશ્વગુરૂ બનાવવા યુવાનોએ સજ્જ થવાનું છે.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીનું સુત્ર ગુજરાત જોબ સીકર નહીં જોબ ગીવર બને જેના ભાગરૂપે ગુજરાત એકમાત્ર રાજ્ય છે યુવાનો માટે ગુજરાત સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ પોલીસી શરૂ કરી છે. અત્યાર સુધીની પરીક્ષા સીલેબસ આધારીત હતી હવે અન એકસપેકટેડ હશે. તેથી વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યુ હતું.
જ્યારે ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રીએ આર્શીવચન પાઠવાતાં જણાવ્યું કે, આજે વિદ્યાર્થીઓનો ગરીમાપૂર્ણ જવાબદારીના ભાવ સાથે પોતાની પદવીને સ્વિકારવાનો અવસર છે. આ લાયકાત માત્ર પ્રમાણપત્ર નથી. પણ પદ સાથે જવાબદારી પણ જોડાયેલ છે.
યુનિ.ના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીએ સૌનું સ્વાગત કરી, સામાજિકદાયીત્વ સાથે નરસિંહ મહેતા યુનિ.કાર્યરત છે. સમય પ્રમાણેનું શિક્ષણ આપવા સાથે સ્કીલ ડેવલપમેન્ટ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રીસર્ચ, ઈનોવેશન સહિતની બાબતોએ પ્રકાશ પાડયો હતો.
આ પ્રસંગે પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, વિવિધ યુનિ.ઓના કુલપતિઓ, મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિ.પં.પ્રમુખ શાંતાબેન ખટારીયા, ભાજપ પ્રમુખો પુનિતભાઈ શર્મા, કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ ખટારીયા, રેન્જ આઈ.પી.મનીન્દરસિંઘ પવાર, જિલ્લા કલેકટર રચિત રાજ. ડી.ડી.ઓ. મીરાતે પરીખ મ્યુ.કમિશનર આર.એમ.તન્ના સહિત ઉપસ્થિત રહ્યા હતાં. આભારવિધિ કાર્યકારી કુલ સચિવ મયંક સોનીએ કરી હતી.
 

© 2022 Saurashtra Trust