મોડાસા પંથકમાં પરિણીત શખસ સગીરા સાથે ઝડપાતા માથાના વાળ કાપી નાંખ્યા

મોડાસા, તા.ર1: દાહોદ જિલ્લાના ધાનપુર પંથકમાં ખજૂરી ગામે પરિણીતા પ્રેમી સાથે ભાગી જતા તાલિબાની સજા આપવામાં આવી હતી. પતિ તથા સાસરિયાઓ અને ગ્રામજનોના ટોળાએ પરિણીતાને નિર્વત્ર કરી ખભા પર બેસાડી પતિને ગામમાં ફેરવ્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ એક પરિણીત શખસ સગીરા સાથે ઝડપાતા ગ્રામજનોએ આ પરિણીત શખસને મારકૂટ કરી માથાના વાળ કાપી નાખ્યા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, માલપુર પંથકમાં રહેતા એક પરિણીત શખસે ગામમાં રહેતા પરિવારને ત્યાં અવર જવર હોય આ પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને પરિણીત શખસ આ સગીરાને ડુંગરની તળેટી પર લઈ ગયાની જાણ થતા પરિવારજનો અને ગ્રામજનો દોડી ગયા હતા અને પરિણીત શખસને સગીરા સાથે ઝડપી લીધો હતો. બાદમાં આ પરિણીત શખસને સરપંચ તરીકે ઓળખાતા ગામના આગેવાનને સોંપી દીધો હતો અને પરિણીત શખસને મારકૂટ કરી માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને એક કોરા કાગળમાં સહી કરાવી લેવામાં આવી હતી. આ અગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે અંગે અને તર્કવિતર્કો થઈ રહ્યા છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer