ધ્રોલનાં વાંકિયા પાસેથી 36 કિલો ગાંજા સાથે ચાર શખસ ઝડપાયા

ટ્રક, કાર, પ્લાયવૂડનો જથ્થો, રોકડ, ચાર મોબાઇલ સહિત રૂ.ર3.87 લાખનો મુદ્દામાલ કબજે
ધ્રોલ, તા.ર1: ધ્રોલ તાબેનાં વાંકિયા ગામ પાસેથી પોલીસે જોડિયાના ટ્રકચાલક સહિત ચાર શખસને 36 કિલો ગાંજા સાથે ઝડપી લઈ રૂ.ર3.87 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ધ્રોલ તાબેનાં વાંકિયા ગામ પાસેથી સ્થાનિક પોલીસ અને એસઓજીના સ્ટાફે ટ્રકને ઝડપી લઈ તલાસી લેતા તેમાંથી પ્લાયવૂડના જથ્થા હેઠળ છુપાવેલ 36.900 કિલોગ્રામ ગાજાનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે રૂ.3.69 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો, ટ્રક, કાર, ચાર મોબાઇલ, રૂ.ર3,ર00ની રોકડ સહિત રૂ.ર3.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો.પોલીસે જોડિયા ગામે રહેતા ટ્રકચાલક અનિરુદ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા, જામનગરમાં મચ્છરનગર હા.બોર્ડ કોલોનીમાં રહેતા ક્લિનર જેકબ ક્રિશ્ચિયન, ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતા શાહરુખ ઉર્ફે ભુરો સફી હાસમાણી અને ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા રિક્ષાચાલક જાવીદ કાસમ જામને ઝડપી લીધા હતા. પોલીસે ચારેય શખસને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જોગવડનો અજય જાડેજા અને જામનગરનો નવાબ અને ઓરિસ્સાનો અજાણ્યો શખસ ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer