કુખ્યાત ડોન રવિ પુજારીનું રાજકોટ કનેકશન

કુખ્યાત ડોન રવિ પુજારીનું રાજકોટ કનેકશન
જામનગરના વેપારીની હત્યા માટે આવેલા શાર્પશૂટરોને રવિના સાગરીતે માણસો        પુરા પાડયાં’તાં
રાજકોટ, તા. 21: (ફૂલછાબ ન્યુઝ) બોરસદના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલ પર ગોળીબાર કરીને હત્યાનો પ્રયાસ કરવા અંગે પકડાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા કુખ્યાત ડોન રવિ પુજારીનું રાજકોટ કનેકશન નિકળ્યું છે. ચાર વર્ષ પહેલા જામનગરના વેપારીને હત્યા માટે આવેલા શાર્પશૂટરોને રવિના સાગરીત યુસુફ બચકાએ માણસો પુરા પાડયાનું બહાર આવ્યું હતું. આ રીતે રવિ પુજારીનું રાજકોટ કનેકશન સામે આવ્યું છે.
ચાર વર્ષ પહેલા માર્ચ 2017માં જામનગરના શીપીંગ અને ખૈની તમાકુ અને ગુટખાના ધંધાર્થી એવા વેપારી અશફાક ખત્રીની હત્યા માટે  મુંબઇના શખસ રામદાસ પરશુરામ રાણેએ સોપારી લીધી હતી. વેપારીની હત્યા કરવા માટે રામદાસ, વિનીત પુંડરીક, સંદીપ દયાનંદ અને અનિલ રાજુભાઇ ધીલોડા બસ મારફતે જામનગર જઇ રહ્યા હતાં. ત્યારે  કુવાડવા પાસેથી રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધા હતાં. આ શખસોની પુછપરછમાં દુબઇમાં ખૈની તમાકુ અને ગુટખાનો ધંધો કરતાં જામનગરના વેપારીના ભત્રીજા શફદર ખત્રી પાસેથી ધંધો પડાવી લેવા માટે તેને ડરાવવા તેના જામનગરમાં રહેતાં કાકા અશફાક ખત્રીની સોપારી દાઉદના ભાઇ અનીશ ઇબ્રાહીમે આપી હતી.  રાજકોટ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ ગઢવી અને સબ ઇન્સ. કાનમિયા વગેરેએ રામદાસની પ્રેમીકા અશ્વિની, રીઝવાના શેખ, વિનોદ હાંડે અને સતિષ ઉર્ફે સત્યાની ધરપકડ કરી હતી. આ શખસોની પુછપરછમાં સોપારીને અંજામ આપવા માટે રામદાસે રવિ પુજારીના માણસ યુસુફ બચકા પાસે મદદ માગી હતી અને યુસુફે તેના સાગરીતો વિનોદ, રાહુલ, સચીન, વિનીત અને રીઝવાનાને રામદાસને સહયોગ આપવાનું કહીને તેની પાસે મોકલ્યા હતાં. આ ટોળકી જામનગરના વેપારીની હત્યા કરે તે પહેલા ઝડપાઇ ગઇ હતી. આ રીતે કુખ્યાત ડોન રવિ પુજારીનું રાજકોટ કનેકશન બહાર આવ્યું હતું. રવિ પુજારીનો કબજો મેળવવો કે કેમ? તે અંગે પોલીસ અધિકારીઓ દ્વારા ચર્ચા ચાલી રહી છે. કારણ કે, રવિ પુજારીનો સાગરીત યુસુફ બચકા પકડાયો નથી. એક વાત એવી પણ બહાર આવી હતી કે, અનીશ ઇબ્રાહીમે માણસો પુરા પાડવા માટે રવિ પુજારી સાથે હાથ મિલાવ્યા હતાં. તેના ભાગરૂપે જામનગરના વેપારીની હત્યા માટે નિકળેલા શાર્પશૂટર રામદાસને માણસો પુરા પાડવામાં આવ્યા હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer