રાજકારણ અપરાધીકરણથી મુક્ત થાય તેમ નથી : સુપ્રીમ

રાજકારણ અપરાધીકરણથી મુક્ત થાય તેમ નથી : સુપ્રીમ
- બિહારની ચૂંટણીમાં પોતાનાં આદેશનું પાલન નહીં કરનારા પક્ષો સામે સર્વોચ્ચ અદાલત રોષે ભરાઈ
નવીદિલ્હી,તા.21: રાજકારણને અપરાધીકરણથી મુક્ત કરવા માટે આપવામાં આવેલા પોતાનાં નિર્દેશોનું પાલન રાજકીય દળોએ ન કર્યુ હોવાથી ખફા થયેલી સુપ્રીમ કોર્ટે આક્રોશ ઠાલવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે વ્યગ્ર સૂરમાં રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અત્યાર સુધી કંઈ કરવામાં આવ્યું નથી અને આગળ પણ કંઈ થશે નહીં. અમે પણ હાથ ઉંચા કરી રહ્યાં છીએ.
સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી બિહાર વિધાનસભાની 2020ની ચૂંટણી દરમિયાન તેનાં નિર્દેશોનું પાલન ન કરવાં સબબ ભાજપ, કોંગ્રેસ સહિતનાં અનેક રાજકીય પક્ષો વિરુદ્ધ અદાલતનાં અનાદરની કાર્યવાહીની માગણી કરતી અરજીની સુનાવણી બાદ પોતાનો ફેસલો અનામત રાખતાં કરી હતી. અદાલતે કહ્યું હતું કે, રાજકીય વ્યવસ્થાનાં માળખાને બદલવા માટે કામ કરવાની જરૂર છે.
ન્યાયમૂર્તિ આર.એફ.નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, રાજકીય દળોને પોતાનાં ચયનિત ઉમેદવારોનાં અપરાધિક ભૂતકાળની જાણકારી ઉમેદવારી નોંધાવ્યાનાં બે સપ્તાહ પહેલા જ જાહેર કરવાં માટે કહેવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ તરફથી રજૂ થયેલા ધારાશાત્રી વિકાસસિંહે સુપ્રીમ કોર્ટમાં તેનાં નિર્દેશોનું પાલન ન થઈ શકવાની બારીકીઓ વિસ્તારથી જણાવી હતી. આ ઉપરાંત જાણકારીઓ જાહેર નહીં કરનારા પક્ષોનાં રાજકીય ચિહ્નો સ્થગિત કરવાં માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે અનેક પક્ષો દ્વારા અદાલતની માફી પણ માગવામાં આવી હતી. જેમાં માકપા, એનસીપી અને બસપાનો સમાવેશ થાય છે.

© 2022 Saurashtra Trust