રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મચારીએ રૂ. 30 લાખની લૂંટનું નાટક કર્યુ અને પૈસા લઇ જનાર મિત્રે જીવ ગુમાવ્યો

રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મચારીએ રૂ. 30 લાખની લૂંટનું નાટક કર્યુ અને પૈસા લઇ જનાર મિત્રે જીવ ગુમાવ્યો
મકાન અને બિઝનેશની રૂ. 46 લાખના લોનના હપ્તા ચડી જતાં લૂંટનું તરકટ કર્યુ’તું
રાજકોટ, તા. 21: અહીંની આંગડિયા પેઢીના કર્મચારી સંજય અંબાવીભાઇ ભીમાણીએ લોનના હપ્તા ચડી જતાં રૂ. 30 લાખની લૂંટનું નાટક કર્યુ હતું તેમાં તેની પાસેથી નાણા લઇ જનાર તેના મિત્ર કેતન ભવાનભાઇ સદાદિયાને એસીડ પીને જીવ આપવો પડયો હતો.
દોઢસો ફૂટના રીંગ રોડ પર માધવ રેસીડન્સીમાં રહેતાં અને બાલાજી હોલ પાસે એસ.જી. એન્ટરપ્રાઇઝના નામે આંગડિયા પેઢી ચલાવતા અને વકીલાત કરતાં  નિલેશભાઇ મનસુખભાઇ ભાલોડીએ તેની આંગડિયા પેઢીમાં તેની સાથે  કુંજન ટાઉનશીપ સામે બાંસુરી પેલેસમાં રહેતાં સંજય અંબાવીભાઇ ભીમાણી અને તેનો ભાઇ જયંતી પણ બેસે છે. મંગળવારે મવડી સ્મશાન પાસે ઓફિસ ધરાવતાં નિલેશભાઇના મોટાભાઇ ભાવેશભાઇએ રૂ. 30 લાખનો સેલ્ફનો ચેક આપ્યો હતો. આ ચેક વટાવીને તેના નાણા આંગડિયા પેઢીમાં લાવવા માટે સંજય ભીમાણીને કામ સોંપ્યું હતું. તેના કર્મચારી સંજય ભીમાણી બેંકમાંથી નાણા ઉપાડીને આવતો હતો. ત્યારે તેણે ફોન કરીને મવડી કણકોટ રોડ પર બાઇક પર આવેલા બે શખસ તેની પાસેનો રૂ. 30 લાખની રોકડ રકમ સાથેનો થેલો લૂંટી ગયાની જાણ કરી હતી. આથી આંગડિયા પેઢીના સંચાલક નિલેશભાઇ અને તેમના ભાઇ ભાવેશભાઇ કાર લઇને મવડી રોડ પર ગયા હતાં. રસ્તામાં સંજય મળ્યો હતો. તેણે લૂંટની વાત કરી હતી. તેને કારમાં બેસાડીને લૂંટનો બનાવ કયાં બન્યો અને લુટારુઓ કઇ તરફ ભાગ્યા તેવી પુછપરછ કરી હતી. પણ સંજય સ્પષ્ટ જવાબ આપતો ન હતો. આથી શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકના ઇન્સ. ધોળા અને તેની ટીમે 
લૂંટ અંગે સંજય ભીમાણીની આગવી ઢબે પુછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને લૂંટ થઇ ન હોવાનું અને નાટક કર્યાની કબુલાત આપતા એવું જણાવ્યું હતું કે, તે અગાઉ રેતી કપચીનો ધંધો કરતો હતો. તેમાં ખોટ ગઇ હતી તથા ત્રણ મકાન અને ધંધા માટે કુલ રૂ. 46 લાખની લોન લીધી હતી. તેના બે હપ્તા ચડી ગયા હતાં. આથી પૈસાની જરૂરીયાત હોવાથી લૂંટનું નાટક કર્યુ હતું અને રૂ. 30 લાખની રકમ નવાગામમાં શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝના નામે કારખાનુ ધરાવતાં તેના કાકાના દીકરા બિપીન ભીમાણીને ફોન કરીને પૈસા સાથેનો થેલો મોટામવા પાસેથી લઇ જવાનું કહ્યું હતું. બિપીને તેના કારખાનાની સાથે જ ઇમિટેશનની ભઠ્ઠી ધરાવતાં અને મૂળ સાતડા ગામના વતની અને હાલ નવાગામમાં માંધાતા સોસાયટીમાં રહેતાં કેતન ભવાનભાઇ સદાદિયાને પૈસા લેવા મોકલ્યો હતો. કેતનને પૈસા ભરેલો થેલો આપી દીધો હતો. આ વિગતના આધારે પોલીસ કાફલો નવાગામ પહોંચ્યો હતો. પોલીસને જોઇને કેતન ગભરાઇ ગયો હતો અને  દોડીને ફેકટરીમાં કેરબામાં રાખેલ એસીડ પી લીધું હતું અને ભાગવાનો પ્રયાસ કરતા પડી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ટૂંકી સારવારના અંતે કેતન સદાદિયાનું મૃત્યુ થયું હતું. આ રીતે આંગડિયા પેઢીના કર્મચારી સંજય ભીમાણીએ લૂંટનું નાટક કર્યુ હતું અને મિત્ર કેતનને એસીડ પીને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો.
આ બનાવ અંગે આંગડિયા પેઢીના સંચાલક નિલેશભાઇ ભાલોડીએ નોંધાવેલી ફરિયાદ પરથી સંજય અંબાવીભાઇ ભીમાણીની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 23 લાખની રોકડ રકમ કબજે કરી હતી. બાકીની રકમ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. તેના મિત્ર કેતન સદાદિયાના મૃત્યુના કારણે તેની ચાર માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer