ઓક્સિજનનાં કોઈ વાંકે મર્યુ ન હોવાનાં દાવા પછી ઘમસાણ

ઓક્સિજનનાં કોઈ વાંકે મર્યુ ન હોવાનાં દાવા પછી ઘમસાણ
નવી દિલ્હી, તા.21: કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં અગણિત લોકોનાં ઓક્સિજનનાં અભાવે મૃત્યુ થયાનું સર્વવિદિત છે પણ સંસદમાં મોદી સરકારે ઓક્સિજનની કમીનાં કારણે કોઈ મૃત્યુ થયાનું નકારી દેતા રાજકીય ઘમસાણ મચી ગયું છે. વિપક્ષ તરફથી સરકારને ચારેકોરથી ઘેરી લેવામાં આવી છે અને સરકાર બચાવની સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. એકબાજુ વિપક્ષે સરકાર ઉપર સંસદમાં જૂઠ બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તો બીજીબાજુ ભાજપનાં કહેવાં અનુસાર રાજ્યોએ આવા કોઈ આંકડા આપ્યા ન હોવાથી કેન્દ્ર સરકાર પાસે તેની કોઈ વિગતો નથી.
એક પછી એક મુદ્દે સરકાર ઉપર આક્રમણ જારી રાખતાં રાહુલ ગાંધીએ આજે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, માત્ર ઓક્સિજન નહીં પણ સંવેદનશીલતા અને સત્યની પણ ભારે અછત ત્યારે ય હતી અને આજે ય છે. તો રાહુલનાં આ હુમલાનો જવાબ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ઈટાલિયન ભાષામાં લખીને આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ રાજકુમાર વિશે માત્ર એટલું જ કહી શકાય કે તેની પાસે અગાઉ પણ દિમાગ નહોતો અને અત્યારે પણ નથી. જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોને મૃત્યુનો સુધારેલો આંકડો આપવામાં માટે કહો અને ત્યાં સુધી જૂઠ બોલવાનું છોડો. રાહુલની જેમ જ પ્રિયંકા ગાંધીએ પણ સરકાર ઉપર હુમલો બોલાવતા કહ્યું હતું કે, મૃત્યુ એટલા માટે થયા કારણ કે સરકારે ઓક્સિજનની નિકાસ 700 ટકા વધારી દીધી હતી. તેનાં પરિવહનની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. હોસ્પિટલમાં તેનાં પ્લાન્ટ સ્થાપિત કરવાં માટે કોઈ સક્રિયતા દેખાડવામાં નહોતી આવી.
કોંગ્રેસે સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવાર ઉપર ખોટી સૂચના આપીને સંસદને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસનાં નેતા કે.સી.વેણુગોપાલે કહ્યું હતું કે, તેઓ મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ લાવશે કારણ કે મંત્રીએ સંસદને ગેરમાર્ગે દોરી છે.
દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ મુદ્દે સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, સરકાર તો દેશમાં ઓક્સિજનની કોઈ તંગી જ થઈ હોવાનો દાવો કરે છે. ઓક્સિજનનાં પ્રબંધનમાં પોતાની ભૂલ છૂપાવવાનાં પ્રયાસ સરકાર કરી રહી છે. જો દિલ્હીની સરકારે સમિતિની મંજૂરી મળે તો ઓક્સિજન સંકટનાં કારણે થયેલા મૃત્યુઓની પણ તપાસ કરાવવામાં આવશે. આવી જ રીતે દિલ્હીનાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, જો ઓક્સિજનની કોઈ તંગી ન હતી તો લોકો હોસ્પિટલે શા માટે દોડી ગયા હતાં? હોસ્પિટલો અને મીડિયા દ્વારા રોજ ઓક્સિજનની તંગીનો મુદ્દો ઉઠાવવામાં આવતો હતો. એટલે કે ઓક્સિજનની અછતનાં કારણે મૃત્યુ ન થયા હોવાની વાત સદંતર ખોટી છે.
શિવસેના નેતા સંજય રાઉતે પણ ઓક્સિજન મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, આ પ્રકારનાં નિવેદનથી તેઓ સ્તબ્ધ છે. જેનાં પરિવારનાં સદસ્યોનું મૃત્યુ ઓક્સિજનનાં વાંકે થયાં હશે તેમને કેવું લાગ્યું હશે? આવા પીડિત પરિવારોએ તો સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરી દેવા જોઈએ.
ચોમેરથી થયેલા હુમલામાં ઘેરાઈ ગયેલા ભાજપે આજે બચાવમાં પલટવાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, કોઈ રાજ્ય દ્વારા જણાવવામાં આવ્યું નથી કે ઓક્સિજનની કમીનાં કારણે કેટલા મૃત્યુ થયા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, તેની પાસે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આંકડા આવ્યા નથી. રાજ્યોએ આવા કોઈ આંકડા આપ્યા નથી એટલે કેન્દ્ર સરકાર પાસે તેની સૂચના નથી. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જણાવે કે તેમની સરકારે આપેલા આંકડામાં ઓક્સિજનનાં વાંકે મૃત્યુ થયા હોય તેવું લખીને આપવામાં આવ્યું છે? પાત્રાએ આમઆદમી પાર્ટીથી લઈને શિવસેના સુધીનાં પક્ષો ભ્રમ ફેલાવતા હોવાનો વળતો આરોપ મૂકી દીધો હતો.
-------------
ઓક્સિજનના અભાવે મૃત્યુ મુદ્દે શું સાચું ? શું ખોટું ?
માત્ર પાંચ રાજ્યમાં જ ઓક્સિજનના વાંકે 195 મૃત્યુ : રાજ્ય સરકારોનું કહેવું શું છે ?
નવીદિલ્હી, તા.21: કોરોનાની બીજી લહેરની પરાકાષ્ઠામાં લોકો ઠેરઠેર ઓક્સિજન માટે ભટકતા હતા અને હોસ્પિટલો ઓક્સિજનની તંગીનાં કારણે જ દર્દીઓને દાખલ કરતી નહોતી. દેશના અનેક ભાગોમાં ઓક્સિજન ખતમ થઈ જવાનાં કારણે દર્દીઓ હોસ્પિટલોમાં તરફડીને મૃત્યુ પામ્યાના અહેવાલો આવ્યા હતા પણ રાજ્યસભામાં મોદી સરકારે એવું નિવેદન આપ્યું હતું કે ઓક્સિજનના  અભાવે દેશમાં એકપણ મૃત્યુ થયું નથી. જેને પગલે દેશનાં રાજકારણમાં હોબાળો મચી ગયો છે.         વિપક્ષી આક્રમણ તીવ્ર બનતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને એવી સ્પષ્ટતા આપી છે કે, રાજ્યો તરફથી મળેલા રિપોર્ટના આધારે સંસદમાં જાણકારી આપવામાં આવી છે. એટલે કે જો રાજ્યોએ લેખિતમાં તેની કોઈ સૂચના ન આપી હોય તો સંસદમાં વાસ્તવિક ચિતાર આપવા સરકાર બાધ્ય છે. તેમ છતાં જો એપ્રિલ-મે માસના મીડિયાના અહેવાલો અને સરકારનાં નિવેદનોના આધારે જોવામાં આવે તો માત્ર દિલ્હી, ગોવા, હરિયાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં જ 19પ લોકોનાં મૃત્યુ ઓક્સિજનનાં કારણે થયાં હતાં.
હરિયાણાની સરકારે પ એપ્રિલથી 1 મે વચ્ચે ઓક્સિજનની કમીનાં કારણે 19 મૃત્યુની તપાસનો આદેશ આપ્યો હતો. 11થી 1પ મે વચ્ચે ઓક્સિજન સંબંધિત કારણે જ ગોવામાં 83 લોકોનાં મોત થયાં હતાં. આંધ્રપ્રદેશની એક સરકારી હોસ્પિટલમાં 10મી મેનાં રોજ 11 દર્દીનાં મૃત્યુ ઓક્સિજન પુરવઠો ખોરવાતા થયાં હતાં. કર્ણાટકમાં 3 મેનાં રોજ ઓક્સિજનની કમીનાં કારણે 24થી વધુ દર્દી મૃત્યુ પામ્યા હતા. દિલ્હીમાં 23 એપ્રિલ અને 1લી મેએ અનુક્રમે 2પ અને 12 દર્દીનાં મૃત્યુ ઓક્સિજન ન મળવાને કારણે થયેલાં. આવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ 21 એપ્રિલ અને 13 એપ્રિલે અનુક્રમે 22 અને 10 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.
કેન્દ્ર સરકારે રાજ્યો તરફથી આવી કોઈ જાણકારી મળી ન હોવાનું જણાવી રહી છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા આ વિશે શું કહેવામાં આવ્યું તેના ઉપર નજર કરીએ તો છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ.સિંહ દેવે કહ્યું છે કે, છત્તીસગઢમાં ઓક્સિજનની કમીથી કોઈ મૃત્યુ થયાં જ નથી. તામિળનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ.સુબ્રહ્મણ્યમના કહેવા અનુસાર યુદ્ધનાં ધોરણે કામ થયાં હોવાથી તેમનાં રાજ્યમાં પણ આવી કોઈ ઘટના બની નહોતી. મધ્યપ્રદેશના ચિકિત્સા સ્વાસ્થ્ય મંત્રી વિશ્વાસ સારંગ પણ પોતાનાં રાજ્યમાં ઓક્સિજનનાં અભાવે મૃત્યુ થયાનું નકારે છે. બિહારનાં સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે પણ કહે છે કે તેમનાં રાજ્યમાં આવી રીતે કોઈ મર્યું નથી. રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ ઓક્સિજનની તંગીની વાત સ્વીકારતા કહ્યું હતું કે, રાજ્ય સરકારની સક્રિયતાનાં કારણે કોઈ દુર્ઘટના ઘટી નહોતી.
-------------
ગુજરાતમાં ઓક્સિજનના અભાવે એકપણ મૃત્યુ થયું નથી : મુખ્યમંત્રી
જૂનાગઢ,તા.21 : ગુજરાતમાં કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે એકપણ મૃત્યુ થયું નથી. તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સમક્ષ દાવા સાથે જણાવ્યું હતું. ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યવસ્થા સારી રીતે ઉભી કરાય હતી. તેથી ઓક્સિજનના અભાવે એક પણ મૃત્યુનો બનાવ બન્યો નથી. વિપક્ષો પાસે કોઈ મુદ્દો ન હોય તેથી વાહિયાત આક્ષેપો કરાય છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer