પેગાસસ જાસૂસી : કેન્દ્રના અધિકારીઓની પૂછપરછ થશે

પેગાસસ જાસૂસી : કેન્દ્રના અધિકારીઓની પૂછપરછ થશે
-28 જુલાઈએ શશી થરૂરની આગેવાની હેઠળની આઈટી સંસદીય સમિતિની બેઠક
નવી દિલ્હી, તા. 21 : કૉંગ્રેસના નેતા શશી થરૂરની આગેવાની હેઠળની ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) સંસદીય સમિતિ આગામી અઠવાડિયે પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રના ગૃહ મંત્રાલય સહિતના કેટલાક અધિકારીઓની પૂછપરછ કરશે, એમ સૂત્રોએ આજે જણાવ્યું હતું.
ઇઝરાયલની કંપની એનએસઓનો પેગાસસ સ્પાયવૅર કોઇ પણ દેશની સરકારને જ વેચવામાં આવે છે અને આ સ્પાયવૅરની મદદથી ભારતના બે કેન્દ્રીય પ્રધાનો, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કૉંગ્રેસના નેતા અભિષેક બેનરજી અને દેશના 40 જેટલા પત્રકારોની જાસૂસી તેમના મોબાઇલ ફોન મારફતે કરાયાના આક્ષેપો થઇ રહ્યા છે. આ મામલો હાલ સંસદમાં પણ ગાજી રહ્યો છે. ફ્રાન્સના પ્રમુખ અને પાકિસ્તાનના વડા પ્રધાન સહિતના અન્ય કેટલાય વિદેશી નેતાઓની જાસૂસી પણ પેગાસસ સ્પાયવૅરથી કરાયાના અહેવાલો વૈશ્વિક અખબારોમાં પ્રકાશિત થયા બાદ ભારત સહિત અન્ય કેટલાય દેશોમાં પણ આ મામલે ચર્ચા થઇ રહી છે.
જો કે ભારત સરકાર અને આ સ્પાયવૅરની ઉત્પાદક કંપની એનએસઓએ આવી કોઇ જાસૂસીના અહેવાલોને નકારી કાઢ્યા છે. થરૂરની આગેવાની હેઠળની 32 સભ્યોની  આઇટી સંસદીય સમિતિની 28 જુલાઇએ બેઠક છે અને એમાં એમાં સિટિઝન સિક્યોરિટી અને પ્રાઇવૅસીના મુદ્દે ચર્ચા થશે, એવું જાહેરનામું લોકસભા સચિવાલય તરફથી બહાર પાડવામાં આવ્યું છે. સમિતિનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પેગાસસ જાસૂસીનો મામલો ઊઠશે અને સરકારી અધિકારીઓ પાસેથી તેની વિગતો માગવામાં આવશે.
--------------
પેગાસસમાં 14 વિશ્વનેતાનાં નામ
- જાસૂસી મામલામાં ઇમરાનખાન સહિત
ત્રણ વડાપ્રધાન, મેક્રોન સહિત ત્રણ રાષ્ટ્રપતિ
નવી દિલ્હી, તા. 21 : પેગાસસ જાસૂસી મામલામાં ટેપિંગના નિશાનવાળાં નામોની યાદી લાંબી થતી જાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન સહિત આખા વિશ્વના 14 નેતાનાં નામ સામેલ છે.
આ યાદીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલરામફોસા સહિત નામો આ યાદીમાં છે.
લીક થયેલા ડેટાબેઝમાં ફોન નંબરોમાં ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકી  પ્રમુખો ઉપરાંત ઇરાકના બરહમ સાલિહ સહિત ત્રણ રાષ્ટ્રપતિના નામ છે.
એ જ રીતે પાકના ઇમરાન ઉપરાંત મિસ્રના મુસ્તફા મદબોલી અને મોરોક્કોના સાદ એડિન અલૂઓથમાનીના નામ સામેલ છે.
લેબેનોનના સા હરિરિ, યુગાન્ડાના રૂહાકાના રગુંડા, અલ્જિરિયાના નૌરેડિન બેડૌઇ અને બેલ્જિયમના ચાર્લ્સ મિશેલ સહિત સાત જૂના નેતાનાં પણ નામ છે. પેગાસસ સ્પાઇવૈર સર્વેલન્સ પર અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું હતું કે, અમે સુરક્ષા પ્રોટોકોલ, પ્રક્રિયાઓ અને ક્ષમતાઓ પર કોઇ ચર્ચા નથી કરતા.
------------
સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ કરાવી, શ્વેતપત્ર માગતો વિપક્ષ
નવી દિલ્હી, તા.ર1 : પેગાસસ જાસૂસીકાંડ મામલે વિપક્ષોએ ફરી કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પેગાસસ જાસૂસીકાંડની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ કરાવવાની માગ કરી કહ્યુ કે સરકાર શ્વેતપત્ર જાહેર કરી સ્પષ્ટ કરે કે તેણે ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે
નહીં ? ગૃહમંત્રી અમિત શાહની ક્રોનોલોજી સમજો એવી ટિપ્પણી પર પુર્વ કાયદા મંત્રીએ કહ્યુ કે અમે ક્રોનોલોજી સમજી રહ્યા છીએ. તમે એ ક્રોનોલોજી સમજો જે વર્ષ ર017થી ર019 વચ્ચે થયું. પેગાસસ મામલો ખૂબ જ ગંભીર છે. તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. સરકારી એજન્સીઓ પર અમને ભરોસો નથી. સોફટવેર બનાવતી કંપની આ જાસૂસી સોફટવેર માત્ર સરકારોને જ વેંચે છે. તેનું ખાનગીધોરણે વેચાણ કરાતું નથી. ગૃહમંત્રી સંસદમાં જરૂરી સ્પષ્ટતા કરે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે સરકાર પેગાસસ પર ખર્ચ કરી રહી છે, જનતા પર નહીં. અમારો પ્રયાસ દેશને બચાવવાનો છે. આ રીતે જાસૂસી કરાવવામાં આવે તે યોગ્ય નથી. સરકાર જે પ્રકારના જૂઠાણા ચલાવે છે શરમ આવવી જોઈએ. કોંગ્રેસના નેતા કમલનાથે માગ કરી કે પેગાસસ જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપે. આ કાંડથી અમારા અધિકારો પર મોટો હુમલો કરાયો છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer