ખાદ્યતેલોની મોંઘવારીથી રસોડાનું બજેટ વેરવિખેર

ખાદ્યતેલોમાં 50 ટકા સુધીનો ભાવવધારો એક વર્ષમાં થઇ ગયો: સીંગતેલ અન્ય તેલો કરતા સસ્તું લાગવા માંડયું !
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ.તા.12: પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવવધારાની માફક રસોડાના બજેટને દઝાડતાં દેશી-આયાતી ખાદ્યતેલોની મોંઘવારીએ પણ પાછલા એક વર્ષમાં માઝા મૂકી છે. ભાવવધારાની એવી આગ લાગી છેકે લોકોનું જીવવું દુષ્કર થઇ પડયું છે. સીંગતેલ, કપાસિયા, પામોલીન અને સૂર્યમુખી કોઇ તેલ પહોંચમાં રહ્યા નથી. એમાં ય સીંગતેલનો સબળ વિકલ્પ કપાસિયા અને સૂર્યમુખી તેલમાં તો એક વર્ષમાં એટલો ભાવવધારો થયો છે કે બે-ત્રણ વર્ષ પૂર્વે એ વધારાના ભાવથી પામતેલનો ડબો આવી જતો હતો! જોકે આ બધા વચ્ચે મહત્વની બાબત એ છે કે સીંગતેલ અન્ય તેલોની સરખામણીમાં સસ્તું છે. દેશભરમાં ખાદ્યતેલોના ભાવ પાછલા વર્ષથી 50 ટકા સુધી મોંઘા થઇને ઐતિહાસિક ટોચ પર છે. ગુજરાતમાં ફક્ત સીંગતેલ અને કપાસિયા તેલનું ઉત્પાદન થાય છે. એ સિવાય વધારે ખવાતા પામતેલ, સૂર્યમુખી અને મકાઇ તેલની આયાત થાય છે. આયાતી તેલોના ભાવમાં વૈશ્વિક બજારમાં ભડકો થઇ ગયો છે એવામાં ઘરઆંગણે સટ્ટાકિય પ્રવૃત્તિ વધી જતા ભારેખમ ભાવવધારામાં લોકો પીસાઇ રહ્યા છે.
ભારતમાં ફક્ત 90 લાખ ટન ખાદ્યતેલનું ઉત્પાદન થાય છે. માગ મોટી છે એટલે 140થી 150 લાખ ટનની આયાત મલેશિયા, ઇન્ડોનેશિયા, આર્જેન્ટિના, કેનેડા, બ્રાઝીલ અને દક્ષિણ અમેરિકાના દેશોમાંથી કરવી પડે છે. ભારત ખાદ્યતેલોની કુલ માગના 70 ટકા જેટલી આયાત કરતો હોવાથી વૈશ્વિક ભાવની તરત અસર થાય છે.
મલેશિયા અને ઇન્ડોનેશિયામાં લોકડાઉન દરમિયાન પામતેલનું ઉત્પાદન ઘટયું છે. સૂર્યમુખીનું ઉત્પાદન કરતા રશિયા અને યુક્રેનમાં ત્યાંની સપ્લાય ચેઇન પ્રભાવિત થઇ ગઇ છે. સોયાતેલમાં બ્રાઝીલનો દુષ્કાળ તેજી કરાવી ગયો છે. મોટાંભાગના તેલોમાં પામતેલની ભેળસેળ થતી હોવાથી બધા તેલો પણ સળગ્યા છે. ખાસ કરીને કપાસિયા તેલમાં મોટો ભાવવધારો થયો છે. તે પામતેલને કારણે જ છે. સૂર્યમુખીમાં એક વર્ષમાં રૂ. 930નો ભાવવધારો ડબા દીઠ થયો છે. બે વર્ષ પહેલા રૂ.930માં પામતેલનો ડબો આવી જતો હતો.
તમામ તેલોનું ઉત્પાદન ઓછું છે, એવામાં ચીને આક્રમક આયાત કરતા આખી દુનિયામાં ખાદ્યતેલો મોંઘા છે. ચીનમાં હવે તળેલા ખોરાકનું પ્રચલન વધી રહ્યું છે એટલે આયાત વધતી જાય છે. અત્યારે ભારત ટોચનો આયાતકાર છે.
આ વર્ષે સીંગતેલની આયાત પણ ચીને લગભગ સવા બે લાખ ટન જેટલી કરી છે એટલે સીંગતેલના ભાવ પણ અણધાર્યા વધી ગયા છે. જોકે એટલુ આશ્વાસન ખરું કે સીંગતેલ અત્યારે અન્ય તેલોની તુલનાએ સસ્તું મળી રહ્યું છે. પરંતુ કોરોનાને લીધે લોકોની ખરીદશક્તિ હણાઇ જતા હવે ડબાની ખરીદી ઓછી છે, છૂટક ખરીદી કરીને મોટાંભાગના પરિવારો ગુજરાન ચલાવી રહ્યા છે.
ખાદ્યતેલોના ભાવ હળવા કરવા માટે સરકાર આયાત કર ઘટાડવાની વિચારણા કરી રહી છે. પામતેલમાં 32.5 ટકા અને સોયાતેલમાં 35 ટકાની ડયૂટી લાગે છે. સરકાર તે હળવી કરી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer