ગર્ભપાતની કિટનું એમેઝોન પર વેચાણ !

રાજ્યવ્યાપી દરોડામાં ક્લીન કિટ, એન્ટી પ્રેગ કિટ, ઓક્સિટોસીનનો દોઢ કરોડથી વધુ કિંમતનો જથ્થો જપ્ત : એક વર્ષમાં 800થી વધુ ગર્ભપાતની કિટનું ઓનલાઈન વેચાણ થયું
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા. 12 : કોરોના કાળમાં બનાવટી દવાઓ અને ગેરકાયદે દવાઓના વેચાણ કરનારાઓને ઝડપી લેવા સરકારે તંત્રને કામે લગાડયું છે તેના ભાગરૂપે આજે ગર્ભપાતની એ-કેર કીટ્સ ક્લિન કીટનું ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું વેચાણ કરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યક્તિઓના રહેણાક અને મેડીકલ એજન્સીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડીને આઠ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રાજ્યવ્યાપી દરોડામાં અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુ કિંમતની 24,363 કિટનો જથ્થો જપ્ત કરાયો છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી. કશિયાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ગાયનેક ડોક્ટરના સુપરવિઝન હેઠળ એમ.ટી.પી. એક્ટની જોગવાઈઓ મુજબ જ ગર્ભપાત માટે દવાઓ ડોક્ટર દ્વારા પ્રીક્રાઈબ કરવામાં આવતી હોય છે આમ છતાં સાયનોકેમ ફાર્માસ્યુટિકલ્સ લિમીટેડ, હરિદ્વાર (યુકે) માર્કેટિંગ કંપની મે ડીકેટી ઇન્ડિયા, મુંબઈની ગર્ભપાતમાં વપરાતી એ કેર કીટ અમદાવાદના પિન્ટુ પી. શાહ ગેરકાયદેસર રીતે કરણી ડીસ્ટ્રીબ્યુટર્સ, દુકાન નં. 128, શ્રી રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ, ડીસાના માલિક વિનોદભાઈ મહેશ્વરી અને કોમ્પીટન્ટ વ્યક્તિ લોકેશ મહેશ્વરી પાસેથી મેળવતા હતા. આ ગુનાહીત કામના મુખ્ય સુત્રધાર રાજેશ યાદવ કે જેઓ ડીકેટી ઇન્ડિયા, મુંબઈના ગુજરાત ખાતેના એરીયા સેલ્સ મેનેજરના કહેવાથી સુરતની કે.વી. એન્ટરપ્રાઈઝ, મોટા વરાછાના માલિક ઝવેરભાઈ ધનજીભાઈ સંગાળાને થોડાક સમય પહેલા ડીકેટી ઇન્ડિયા, મુંબઈની ડિસ્ટ્રીબ્યુટરશીપ અપાવી દબાણ કરી ઝવેરભાઈને ખોટા કામમાં સંડોવણી કરાવ્યા બાદ ડીસાના લોકેશ મહેશ્વરીને ગેરકાયદેસર રીતે ગર્ભપાતની દવાઓ અન્ય પેઢીના અને ડોક્ટરોના નામનાં ખોટા ઉપજાવી કાઢેલા બીલો બનાવી ગુનાહીત કૃત્ય કરેલ છે. આ ઉપરાંત આ કામમાં અન્ય એક વ્યક્તિ નિલય બોરા, કે જે ડીકેટી ઇન્ડિયા, મુંબઈનો માર્કેટિંગ રીપ્રેઝન્ટેટીવ મિત્રાય ડિસ્ટ્રીબ્યુટર્સ સેટેલાઈટ અમદાવાદ ખાતેથી કે.વી. એન્ટરપ્રાઈઝ, સુરતના નામના બીલો બનાવી ડીસા ખાતેના લોકેશભાઈને બારોબાર વેચાણ કરતા હોવાની માહિતીનો પણ પર્દાફાશ થયો છે.
તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સુત્રધાર પિંટુભાઈ દ્વારા ઓનલાઈન પોર્ટલ એમેઝોન પર તા. 1-7-2019નાં રોજ એચઆઈવી કેન્સર સ્પેશિયલ રેટ હાઈહબ નામથી એકાઉન્ટ ઓપન કર્યું હતું. જે એકાઉન્ટમાં તેઓએ વિક્રેતા તરીકે આર.કે. મીડીસીન્સ છઠ્ઠો માળ, એ-61, પરીસીમાં કોમ્પ્લેક્ષ, લો બંગ્લો સામે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદના નામે રજીસ્ટ્રેશન કરાવેલ હતું અને અંદાજીત છેલ્લા બે વર્ષથી ઓનલાઈન એમેઝોન પોર્ટલ મારફત કોઇપણ જાતના ઔષધ અને સૌંદર્ય પ્રસાધનના કાયદાના ધારાધોરણના પાલન કર્યા વગર રજીસ્ટર ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં ડોક્ટરનાં પ્રિક્રીપ્શન વગર ઓનલાઈન પોર્ટલ એમેઝોન મારફતે એક્સ-વીર 0.5 (યુટેકેવીર ટેબ્લેટ્સ 0.5), તીવીર ફેવિરેન્ઝ, એમટ્રીસિટેબીન અને ટનોફલોવીર સિસોપ્રોકસીલ ફુમારેટ ટેબ્લેટ્સ આઈ 600 એમજી/200 એમબી / 300 એમજી ડોક્ટરના પ્રિક્રીપ્શનની જરૂરિયાતવાળી શિડયુલ એચ દવાનું તેમજ એ-કેર કીટનું ગુગલ પેથી પેમેન્ટ કરી લોકેશભાઈ મહેશ્વરી પાસેથી છેલ્લા એક વર્ષથી 800થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઈન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણની વિગતો આ તંત્રના અધિકારીઓએ ઝડપી પાડી છે.
આ ઉપરાંત ડીકેટી ઇન્ડિયા, મુંબઈના સીએન્ડએફ મિત્રાય ડિસ્ટ્રીબ્યુટર્સ, આનંદનગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ ખાતે ઔષધ નિરીક્ષકની તપાસ દરમિયાન આશરે 21403 કીટનો જથ્થો જોવા મળેલ. જેમાંથી નમૂના લઇ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમૂના મોકલી આપવામાં આવ્યા છે. અહેવાલની રાહ જોવાઈ રહેલ છે અને બાકી વધેલ તમામ જથ્થાનું વેચાણ તાત્કાલીક ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે.
કોશિયાએ ઉમેર્યું કે, આ અંગેની વધુ તપાસમાં અમદાવાદ વિભાગ-2ના અધિકારીઓએ મે. સેવીઝેરા કંપનીના માર્કેટિંગ પ્રતિનિધિ વિપુલભાઈ શૈલેષભાઈ પટેલ, ચાંદખેડાના ઘરેથી ક્લિનકીટ ઉત્પાદન પેઢી એએનડી હેલ્થકેર, મોહાલી પંજાબ અને કોન્ટ્રાપીલ કીટ, ઉત્પાદક પેઢી ડસાનોકેમ ફાર્મા લિમિટેડ હરિદ્વારા (ઉતરાખંડ કેડીલા ફાર્મા દ્વારા વેચાણ કરેલ)ની દવા ઉમિયા સર્જિકલ મોનીશ પંચાલ પાસેથી ગેરકાયદેસર રીતે 700 કીટનું વેચાણ બિલો વગર અમદાવાદ તથા સમગ્ર ગુજરાતમાં ડોક્ટર અને અન્ય ઇસમો વેચાણ કરાયું છે. જેના નમૂના લેવાયા છે જેના આધારે અમદાવાદ વિભાગ-2નાં અધિકારીઓએ વિપુલ શૈલેષભાઈ પટેલ રહેણાક પર દરોડા પાડી 6 લાખ રૂ.ની કીટ જપ્ત કરી છે. જેમાંથી નમૂના લઇ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમૂના મોકલી આપવામાં આવ્યા છે અને અહેવાલની રાહ જોવાઈ રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer