હરીપર પાસે સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા ચાર યુવાનો પૈકી એકનું ડૂબી જતા મૃત્યુ

જાહેરનામાનો ભંગ કરી સ્વિમિંગ ચાલુ કરી નાખનાર સંચાલક સહિત બે સામે પોલીસે ગુનો નોંધ્યો
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર તા.12: જામનગરમાં ઠેબા ચોકડી પાસે રહેતો દિપક પ્રવીણભાઈ પરમાર નામનો 21 વર્ષનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ સહિત અન્ય ત્રણ મિત્રો સાથે જામનગરથી લાલપુર તાલુકાના હરીપર ગામ પાસે આવેલા એક સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગયો હતો. ગઈકાલે ચારેય મિત્રો સ્વિમિંગ પુલની ટીકીટ કઢાવી અંદર સ્વીમીંગ પૂલમાં ન્હાવા માટે પડયા હતા.
જયાં ઊંડા પાણીમાં દિપક પરમાર ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. જેથી તેના પિતરાઈ ભાઈ સહિતના અન્ય મિત્રોમાં ભારે દેકારો થઈ ગયો હતો અને પરિવારજનોને જાણ કરતા મૃતક દીપકના પિતા પ્રવીણભાઈ વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
સમગ્ર મામલે લાલપુર પોલીસને જાણ થતા લાલપુરના પીએસઆઈ ડી.એસ.વાઢેર અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક દિપકનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ચારેય મિત્રોમાંથી કોઈને તરતા આવડતું ન હતું. જયારે પાણીના ઊંડાણના ભાગમાં દિપક ચાલ્યો ગયો હોવાથી તરી નહીં શકવાના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ગુંગળાઈ જવાથી તેનું મૃત્યુ નિપજયું હતું.
પોલીસ દ્વારા સ્વિમીંગ પુલના સંચાલકની પૂછપરછ હાથ ધરી અને જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગેની જાણકારી આપી હતી. હાલમાં કોરોનાની ગાઈડલાઈનને અનુરૂપ જાહેરનામું ચાલી રહયું છે અને સ્વિમિંગ પુલ વગેરે બંધ રાખવાનો આદેશ છે તેમ છતાં ગઈકાલે સ્વિમિંગપુલના સંચાલક દ્વારા પોતાના સ્વિમિંગ પુલ ચાલુ કરી દઈ લોકોને ન્હાવા માટેની વ્યવસ્થા શરૂ કરી હતી.
આથી પોલીસે સ્વિમિંગ પુલના સંચાલક જામનગરના જયદીપસિંહ પ્રવીણસિંહ ગોહિલ તેમજ વ્યવસ્થાપક જાવિદ ઈબ્રાહિમ સહિત બંને સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer