ખંભાળિયામાં વકીલ દંપતી સામે નોંધાતો ગુનો

ખંભાળિયા, તા.1ર : ખંભાળિયામાં નગરપાલીકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં.4માં અનુસૂચિત  જાતિના મહિલા ઉમેદવાર માટે અનામત સીટ ફાળવેલ હોય  જેમાં ખંભાળિયામાં આવેલ નગરગેઈટ વિસ્તારમાં વણકરવાસમાં રહેતા વાસુભાઈ આલાભાઈ ડોરુની પત્ની ગીતાબેનને ઉમેદવારી કરવાની હોય અને સેજલબેન કરણ જોષીને પણ આ વોર્ડમાં ઉમેદવારી નોંધાવવી હોય જેથી ગીતાબેન ડોરુ તેની સામે  ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ન શકે તે હેતુથી નાગરપાડામાં રહેતા વકીલ કરણ વસંતભાઈ જોષી અને તેની પત્ની સેજલબેનએ  કાવત્રુ ઘડયું હતું અને ત્રણ જુદા-જુદા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી નેશનલ વોટર સર્વિસ પોર્ટલ નામની એપ્લીકેશન  પર લોગીન કરી વાસુભાઈના સરનામાના પુરાવા તરીકે જીઈબીનું વાસુભાઈનું નામનું બનાવટી ઈલે.બીલ બનાવી વેબસાઈટ પર ખરા તરીકે અપલોડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા હતો.
તેમજ વાસુભાઈની ખોટી ઓળખ ઉભી કરી મતદાર યાદીમાં વાસુ તથા તેની પત્ની ગીતાબેનનું સરનામુ બદલી નાખ્યું હતું તેમજ વાસુભાઈની માતા જયાબેનનું પણ મતદાર યાદીમાંથી નામ કમી કરાવી નાખવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે વાસુભાઈ ડારુની ફરિયાદ પરથી વકીલ કરણ વસંતભાઈ જોષી અને તેની પત્ની સેજલબેન વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer