જામનગરમાં પ્રેમ લગ્ન કરનારા યુવકનું રિક્ષામાં અપહરણ કરી માર માર્યો

પ્રેમિકાના માતા-પિતા સહિતના પરિવારના ચાર શખસ સામે હુમલાની ફરિયાદ: આરોપી નાસી ગયા
જામનગર તા.12: (ફૂલછાબ ન્યુઝ) જામનગરમાં વુલનમીલ નજીક વામ્બે આવાસ રોડ પર રહેતા રવિભાઈ કાનાભાઈ બથવાર નામના યુવાને પોતાના ભાઈ ચનાભાઈ કાનાભાઈ બથવારને લાલ બંગલા પાસેથી રિક્ષામાં બેસાડી અપહરણ કરી જઈ વુલનમીલ નજીક ઝુંપડપટ્ટીમાં ધોકા વડે માર મારી ફેકચર સહિતની ઈજા પહોંચાડવા અંગે વુલન મીલ પાસે રહેતા કારાભાઈ મકવાણા, દેવીબેન કારાભાઈ, મયુર કારાભાઈ મકવાણા અને પૂજાબેન કારાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના ભાઈ ચનાભાઈ કે જેણે આજથી ત્રણ મહિના પહેલા આરોપી કારાભાઈ મકવાણાની દીકરી દક્ષા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને રજીસ્ટર મેરેજ કરાવી લીધા હતા. ત્યારપછી યેનકેન પ્રકારે દક્ષાબેનને કારાભાઈ પરત લઈ ગયા હતા. જેથી ચનાભાઈએ પોતાની પત્નીને પરત મેળવવા માટે પોલીસમાં અરજી કરવા માટેની તૈયારી કરી હતી અને ચાર દિવસ પહેલા લાલબંગલા સર્કલમાં એક ટાઈપીસ્ટ પાસે પોતાની અરજી ટાઈપ કરાવવા માટે આવ્યા હતાં.
જે દરમિયાન દક્ષાબેનના માતા-પિતા અને ભાઈ-બહેન તથા અન્ય કેટલાક સાગરિતો આવ્યા હતા અને સમાધાન કરાવવાના બહાને રિક્ષામાં બેસાડી વુલન મીલ પાસે અપહરણ કરી ગયા હતા. જયાં તમામ લોકોએ લાકડાના ધોકા વડે માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. જેને હાથ અને પગમાં ફેકચર થયા હોવાથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે.
આ બનાવ અંગે ઈજાગ્રસ્તના ભાઈ રવિભાઈની ફરિયાદના આધારે સિટી પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. હાલમાં આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer