અમરેલીમાં વેપારી પાસે 10 લાખની ખંડણીની માગણી કરી ફાયરિંગની ધમકી આપનાર ગુનેગાર ઝડપાયો

અમરેલીમાં વેપારી પાસે 10 લાખની ખંડણીની માગણી કરી ફાયરિંગની ધમકી આપનાર ગુનેગાર ઝડપાયો
ગોંડલ પાસેથી ઝડપી લીધાનો પોલીસનો દાવો : કાર-મોબાઈલ કબજે
અમરેલી, તા.1ર : અમરેલીમા પેટ્રોલપંપના માલીકને ફોન કરી 10 લાખની ખંડણીની માગણી કરી ફાયરિંગની ધમકી આપનાર રીઢા ગુનેગારને ગોંડલ પાસેથી પોલીસે ઝડપી લીધાનો દાવો કર્યો હતો. પોલીસે કાર-મોબાઈલ કબજે કરી વધુ તપાસ અર્થે રીમાંડ પર લેવા તજવીજ હાથધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, અમરેલીમાં લાઠી રોડ પર આવેલા ગુરુદત પેટ્રોલપંપના માલીક હીતેષ નવનીતલાલ આડતીયા નામના વેપારીને છત્રપાલ વાળા નામના શખસે ફોન કરી  પેટ્રોલપંપ ચલાવવો હોય તો રૂ.10 લાખની ખંડણીની માગણી કરી હતી અને તેના પરિવારને ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ એસપી નિલ્દિપત રાય બચાવવા નહી આવે તેવો ખુલ્લો પડકાર
કર્યો હતો.
આ અંગેનો ઓડીયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે વેપારી હીતેષ આડતીયાની ફરીયાદપરથી ધમકીખોર છત્રપાલ વાળા વિરૂદ્ધ ગુનો નોંધી એલસીબી-એસઓજી-સ્થાનીક પોલીસની જુદી-જુદી ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એલસીબીના સ્ટાફે એવો દાવો કર્યો હતો કે, ગોંડલના મોવીયા રોડ પરથી છત્રપાલ કીશોરભાઈ વાળાને ઝડપી લઈ કાર-મોબાઈલ કબજે કર્યા હતા. છત્રપાલ વાળા વિરૂદ્ધ અગાઉ જિલ્લામાં જુદા-જુદા છ ગુના નોંધાયેલા છે. પોલીસે પકડાયેલા છત્રપાલ કીશોરભાઈ વાળાને રીમાંડ પર લેવા તજવીજ હાથધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer