WTC ફાઇનલ પહેલાં ગરજ્યું પંતનું બેટ

WTC ફાઇનલ પહેલાં ગરજ્યું પંતનું બેટ
સિક્સ મારીને પૂરી કરી અર્ધસદી : બીસીસીઆઈએ ઇન્ટ્રા-સ્કોડ મેચનો વીડિયો જારી કર્યો
સાઉથેમ્પટન, તા. 12: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં 18-22 જૂન સુધી રમાશે. ફાઇનલ મુકાબલા પહેલા ન્યુઝિલેન્ડ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. તો ટીમ ઇન્ડિયા ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમી રહી છે. ભારતીય ટીમે ક્વોરન્ટીન સમય પૂરો કર્યા બાદ શુક્રવારે પહેલી વખત મેદાનમાં મેચ પ્રેક્ટિસ કરી હતી. અભ્યાસ મેચ દરમિયાન ઋષભ પંત શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ પ્રેક્ટિસ મેચના પહેલા દિવસનો વીડિયો શેર કર્યો છે. જેમાં પંત શાનદાર સ્ટ્રોક રમતો જોવા મળી રહ્યો છે.
બીસીસીઆઈએ શેર કરેલા વીડિયોમાં કેપ્ટન વિરાટ કોહલી, શુભમન ગીલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે બેટિંગ કરતા જોવા મળે છે. તો બીજી તરફ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા અને અશ્વિન છે. વીડિયોનો અંત પંતના સ્ટ્રોકથી થાય છે. પંત સ્પિનર સામે સિક્સ મારી રહ્યો છે. સિક્સ બાદ જે રીતે પંતે બેટ ઉંચું કર્યું તેનાથી સાફ થાય છે કે તેણે અર્ધસદી પૂરી કરી છે. આ મેચમાં એક ટીમનું નેતૃત્વ કોહલી કરી રહ્યો છે. તો બીજી ટીમને અજિંક્ય રહાણે સંભાળી રહ્યો છે. ઈશાંત શર્મા રહાણેની ટીમમાં છે. આ ઉપરાંત શમી પણ રહાણે સાથે છે. વિરાટની ટીમમાં શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા જેવા ખેલાડીઓ સામેલ છે.
ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં અંદાજિત 4 મહિના રહેશે. જેમાં ડબલ્યુટીસી ફાઇનલ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. જેની શરૂઆત 4 ઓગસ્ટના રોજ થશે. ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઋષભ પંતના ફોર્મ ઉપર નિર્ભર કરે છે. પંત ઓસ્ટ્રેલિયા જેવું ફોર્મ યથાવત્ રાખશે તો ટીમ ઇન્ડિયાની રાહ આસાન થઈ જશે. પંતે બન્ને ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer