નડાલ સામે જીતી જોકોવિચે રચ્યો ઇતિહાસ

નડાલ સામે જીતી જોકોવિચે રચ્યો ઇતિહાસ
સેમિફાઇનલમાં રાફેલને હરાવનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો
પેરિસ, તા. 12 : દુનિયાભરના ટેનિસપ્રેમી સમુદાયની મીટ રોલાન્ડ ગેરોસના મુકાબલા પર મંડાઇ હતી ‘કોણ જીતશે’ના કયાસો વચ્ચે 13વાર વિજેતા બની ચૂકેલા નંબર વન રાફેલ નડાલને સેમિફાઇનલમાં હરાવનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની નોવાક જોકોવિચે ઇતિહાસ રચી દીધો હતો. ફાઇનલમાં જોકોવિચનો જંગ ગ્રીસના સિતસીપાસ સામે થશે.
જોકોવિચે 3-6, 6-3, 7-6, 6-2થી જીત સાથે 21 ગ્રાન્ડસ્લેમ જીતવાનું નડાલનું સ્વપ્ન રોળી નાખ્યું હતું. સાથોસાથ રાફેલની લગાતાર 35 મેચથી જારી વિજયકૂચ પર પણ બ્રેક મારી હતી.
ચાર કલાક અને 11 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં નડાલે પહેલા સેટમાં સરળતાથી 6-3થી હાથ ઉપર રાખ્યો હતો. જોકોવિચે બીજો સેટ જીતી વાપસી કરી હતી. ત્રીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યો અને જોકોવિચે 7-6થી જીત્યો. ચોથા સેટમાં પ્રભાવિ પ્રદર્શન કરતાં નડાલને 6-2થી હરાવ્યો.
સર્બિયાનો સ્ટાર નોવાક જોકોવિચ દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બની ગયો છે જેણે નડાલને ફ્રેન્ચ ઓપનમાંથી એકથી વધુવાર હાર આપી છે.
બંને દિગ્ગજો વચ્ચે અત્યાર સુધી કુલ 58 મેચ રમાઇ છે જેમાંથી 30માં જોકોવિચ, નડાલ 28 જંગ જીત્યો છે. ગ્રાન્ડસ્લેમમાં કુલ 17માંથી 10 જીત સાથે જોકોવિચ કરતાં નડાલનું પલડું ભારી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer