રાજકોટની 20 કોલેજમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત ટૂંક સમયમાં કરાશે

રાજકોટની 20 કોલેજમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત ટૂંક સમયમાં કરાશે
શહેરની કોઈપણ કોલેજના વિદ્યાર્થી અને તેમના પરિવારજનો રસી લઈ શકશે: વિદ્યાર્થીઓમાં રસીકરણ વધારવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 12: કોરોનાની મહામારીમાંથી બચવા માટે વેક્સિનેશન શ્રેષ્ઠ ઉપાય છે. રાજય સરકાર દ્વારા ગુજરાતના જિલ્લા-તાલુકામાં 1200 જેટલા વેક્સિનેશન કેન્દ્રો શરૂ કર્યા છે. વેક્સિનેશનનું કામ જેટલી ઝડપભેર ચાલે એટલા વહેલા આ મહામારીમાંથી બહાર નીકળી શકાય છે. આ બાબતોને ધ્યાને રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ પ્રો. પેથાણી અને ઉપકુલપતિ ડો. દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ શહેરની 20 કોલેજમાં ટૂંક સમયમાં જ વેક્સિનેશન સેન્ટર મહાપાલિકાના સહયોગથી શરૂ કરવામાં આવશે.
આ વેક્સિનેશન ડ્રાઈવમાં રાજકોટની કોઈપણ કોલેજના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારના સભ્યો કોઈપણ નજીકની કોલેજમાંથી કોરોના પ્રતિરોધક રસી મુકાવી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યવાહકોએ વિવિધ કોલેજોના આચાર્યો સાથે વર્ચ્યુઅલ મિટિંગ કરીને આ નિર્ણય લેવાયો હતો. વેક્સિનેશન માટે વિદ્યાર્થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવી શકેલા વિદ્યાર્થીઓ પણ કેન્દ્ર પર જઈને રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સંભવત: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ છે, જેણે સંલગ્ન કોલેજોમાં વેક્સીનેશન સેન્ટર ખોલવાની પહેલ કરી છે અને તેમાં વિદ્યાર્થી તેમજ તેમના પરિવારજનોને પણ રસીકરણની મંજુરી આપવાની યોજના બનાવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer