પટેલ પોલિટિક્સ : ખોડલધામમાં ‘આપ’ તરફના અણસારથી હલચલ

પટેલ પોલિટિક્સ : ખોડલધામમાં ‘આપ’ તરફના અણસારથી હલચલ
ભવિષ્યમાં ‘આપ’ જોર કરી શકે છે એવા નિવેદનને પગલે અટકળોનો દોર શરૂ : ખોડલધામમાં બેઠક બાદ લેઉવા-કડવા નહીં ‘પાટીદાર’ લખવાનો નિર્ણય
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, વીરપુર, તા.12 : ગુજરાતમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ તમામ રાજકીય પક્ષો અત્યારથી જ સક્રિય થઈ ગયાં છે ત્યારે આજરોજ સમસ્ત ગુજરાતના લેઉવા અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓની એક બેઠક કાગવડ ખોડલધામ ખાતે મળી હતી. બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પાટીદાર સમાજને આજદિન સુધી કેશુભાઈ પટેલ જેવા કોઈ નેતા મળ્યાં ન હોવું તેમજ મુખ્યમંત્રી તો પાટીદાર સમાજમાંથી જ હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી હવે લેઉવા કે, કડવા નહીં પરંતુ પાટીદાર લખાશે તેવું જણાવીને તેઓએ ‘આપ’નો પણ ઉલ્લેખ કરતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.
આજની બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની સાથોસાથ વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સૂરત સહિતની સંસ્થાઓના આગેવાનો દિલીપ નેતાજી, (ઉમિયાધામ-ઉંઝા) રમેશભાઈ દૂધવાલા, વાસુદેવ પટેલ(સોલા ઉમિયા કેમ્પસ), હંસરાજભાઈ ધોરુ, (કચ્છ પાટીદાર આગેવાન) લવજીભાઈ બાદશાહ,  મથુર સવાણી (ઉદ્યોગપતિ) મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), જેરામબાપા (સિદસર), આર.સી.પટેલ (વિશ્વ ઉમા સંસ્થાન), ગગજીભાઈ સુતરીયા (સરદારધામ), દિનેશ કુંભાણી તેમજ બી.એસ ઘોડાસરા પણ જોડાયાં હતાં.
આ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, ટૂંક સમય પૂર્વે ઉંઝા ઉમિયાધામ ખાતે મા ઉમિયાના દર્શનાર્થે લેઉવા અને કડવા પટેલ આગેવાનો એકત્ર થયાં હતાં એ વખત અમારા ભાઈઓની બેઠક યોજાઈ હતી ત્યારબાદ કોરોનાની બીજી લહેર આવતા બેઠકનું આયોજન થઈ શક્યું ન હતું, આજની બેઠકમાં સમાજના પ્રશ્નો, સમાજનો વિકાસ અને રાજકિય બાબતો અંગે પણ ચર્ચા-વિચારણા થઈ હતી.જો કે, તેમણે રાજકીય બાબતે કઈ ચર્ચાઓ થઈ તેનો વિગતવાર ‘ફોડ’ પાડયો ન હતો.
વધુમાં ઉમેર્યુ હતું કે, લેઉવા-કડવા નહીં પરંતુ હવે પાટીદાર લખાશે, આજે અહીંયા અલગ-અલગ પાંચ સંસ્થાઓ હાજર છે તેનું ફેડરેશન બનશે. ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ પણ પાટીદાર સમાજની સંખ્યા વિશાળ છે, વ્યવસાયથી લઈને રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને કદાચ પાટીદાર ટેક્સની ભરપાઈ કરવામાં પણ અવલ્લ છે. આજની બેઠકમાં રાજકિય કરતા સમાજના વિકાસને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી જો કે, જે રીતે ગુજરાતના મુખ્યમંત્રીપદે બિરાજીને કેશુભાઈ પટેલે રાજ્યને ગૌરવ અપાવ્યું હતું, પાટીદાર સમાજને આજદિન સુધી કેશુબાપા જેવા કોઈ નેતા મળ્યાં નથી ત્યારે આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી જ કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા અચૂક વ્યક્ત કરુ છું. જો કે, હજુ 2022ની ચૂંટણીને ઘણી વાર છે, મુખ્યમંત્રી કોણ બનશે તે આગામી સમય જ નક્કી કરશે.
દરમિયાન આજની બેઠક પૂર્વે નરેશ પટેલે ‘આપ’નો ઉલ્લેખ પણ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યાંય પણ ત્રીજો પક્ષ ફાવ્યો નથી પરંતુ ભવિષ્યમાં ‘આપ’ જોર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી તા.14ના રોજ ગુજરાત આવી રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટીની કાર્યશૈલીના વખાણ કરતું નિવેદન આપીને નરેશ પટેલે પરોક્ષ રીતે ત્રીજા પક્ષને ટેકો આપ્યો હોવાનું તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને દોડતા કરી દીધા હોવાની ચર્ચાઓએ પણ વેગ પકડયો હતો.
અહીં એ પણ નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ ભાજપના પ્રભારી  ભૂપેન્દ્ર યાદવ વચ્ચે 15 જૂને બેઠક યોજાવાની છે, આ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે, ભાજપ કોઈપણ પ્રકારનું આયોજન કરે તે પહેલા જ લેઉવા-કડવા પાટીદાર સમાજે એક મંચ પર બેઠક યોજતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, અઢી કલાક સુધી ચાલેલી આ બેઠક પરથી મોટી રાજકીય ઉથલપાથલના પણ સંકેત મળી રહ્યાં છે.
ખોડલધામ મંદિરે ઈતિહાસ સર્જાયો !
આજે ખોડલધામ મંદિરે એક નવો ઈતિહાસ પણ સર્જાયો હતો જેમાં બેઠક પૂર્ણ થયાં બાદ લેઉવા અને કડવા પાટીદારોએ સાથે મળીને ખોડલધામ મંદિરમાં ધ્વજા ચડાવી હતી. નોંધનીય છે કે, લેઉવા પટેલ સમાજની પ્રચંડ શક્તિ અને એકતાના પ્રદર્શનનું નિમિત્ત બનેલા ખોડલધામનો વર્ષ 2012માં શિલાપૂજન ઉત્સવ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્ર, ગુજરાતના ગામે-ગામ તેમજ દેશ-વિદેશમાંથી 21 લાખ જેટલા પાટીદારો એકત્ર થયાં હતાં ત્યારે પણ એક ઈતિહાસ સર્જાયો હતો.
દરેક સમાજ પોતાની રીતે માગણી કરી શકે છે: નીતિન પટેલ
અમદાવાદ: પાટીદાર સમાજની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલને પ્રશ્ન પૂછવામાં આવતા જવાબ આપ્યો કે, કોઇપણ સમાજ ગમે તે માગણી કરે તેમનો હક છે, પાર્ટી જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય કરતું હોય છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે. રાજકીય નિર્ણય પક્ષનું મોવડીમંડળ નક્કી કરે છે. હાલ ચૂંટણી નથી એટલે નિર્ણય કોઈ કરવાની જરૂર નથી. દરેક સમાજ પોતાની રીતે સંગઠીત થાય છે. શૈક્ષણિક રીતે આગળ આવવા એકત્ર થતા હોય છે. આજે કડવા અને લેઉઆ પટેલ સમાજ એકત્ર થયા છે. દરેક સમાજ એકત્ર થાય તે સમાજનો અધિકાર છે.
બિન અનામત આયોગના ચેરમેનની જગ્યા ભરવા સરકારમાં રજૂઆત કરીશું : આર.પી. પટેલ
રાજકોટ તા.12 : ખોડલધામ ખાતે આયોજિત લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠક અંગે વિશ્વ ઉમિયા સંસ્થાનના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં પાટીદાર સમાજના સંગઠનને એ સ્કેલ પર મજબૂત કરવું જેથી આ સમાજનો સંર્વાગી વિકાસ થાય છે તે મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બિન અનામત આયોગ અને નિગમના ચેરમેનની જગ્યા ઘણા સમયથી ખાલી છે એના માટે ફાળવેલુ બજેટ વણવપરાયેલુ પડી રહ્યું છે એ બાબતે સરકારમાં રજૂઆત કરવા તેમજ વાવાઝોડાના કારણે ખેડૂતોને જે નુકશાન થયું છે તેમાં વળતર અપાવવા સહિતનો મુદ્દો પણ બેઠકમાં આવરી લેવામાં આવ્યો હતો.
 
મેં અને મારી ટીમે જે વૃક્ષ વાવ્યું તે વટવૃક્ષ બનશે : હાર્દિક પટેલ
અમદાવાદ: ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફેસબૂક પોસ્ટમાં પાટીદાર આંદોલનને લઈ નિવેદન આપ્યું છે. હાર્દિકે કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે હેસટેગ પાટીદાર લખીને આ પોસ્ટ કરી છે. 
કોંગ્રેસ સમાજના તમામ વર્ગને સાથે રાખીને ચાલે છે : ડો. મનીષ દોશી
અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું કે કોંગ્રેસ સમાજના તમામ વર્ગને સાથે રાખીને ચાલે છે. નરેશભાઈને પોતાના સમાજની લાગણી હોય એ સ્વાભાવિક છે. તમામ સમાજનો વિકાસ થાય અને તમામને સાથે રાખી ચાલવાની કોંગ્રેસની નીતિ છે. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી સમયે ભાજપ સમાજ-સમાજ વચ્ચે વેર ઉભા કરે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer