રૂપાણીની આગેવાનીમાં જ આગામી ચૂંટણી લડાશે

રૂપાણીની આગેવાનીમાં જ આગામી ચૂંટણી લડાશે
નેતાગીરી કે મંત્રીમંડળમાં કોઇ બદલાવ  નહીં : ભાજપ પ્રભારીની વન-ટુ-વન બેઠક
 
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા. 12 : ગાંધીનગરમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવે આજે 25 જેટલા ભાજપી આગેવાનો સાથે વન ટુ વન બેઠક કરી હતી અને એ પછી એવું નક્કી થયું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં જ આગામી ધારાસભા ચૂંટણી લડાશે અને એ પહેલાં મુખ્યમંત્રી કે મંત્રીમંડળમાં કોઇ બદલાવ નહીં થાય.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 5 જૂનના રોજ યોજાયા બાદ, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રાસિંહ યાદવ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. ગઈકાલે 11 જૂનના રોજ પ્રભારી યાદવે મુખ્ય કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગલામાં સરકાર અને સંગઠનના 25 જેટલા આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો હતો. જેમાં સંગઠનમાંથી ગોરધન
ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ જેવા રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ચર્ચા થઈ હતી. તે અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાના સમયગાળા દરમિયાન એટલે કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે મતદારોનો મિજાજ કેવો છે અને લોકો કઈ તરફ વિચારી રહ્યા છે, તેનું સંકલન અને આયોજન કરવા બાબતે ગુજરાતના ભાજપ પ્રભારી યાદવ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે, ત્યારે આજે બીજા દિવસે તેઓએ સંગઠનના અને સરકારના 25 જેટલા આગેવાનો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. જેમાં સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિધાનસભા 2022ની ચૂંટણીમાં નવા મુખ્યપ્રધાનના ચહેરા સાથે વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે, ત્યારે 2022માં ગુજરાતમાં ભાજપમાંથી મુખ્યપ્રધાન તરીકે કોણ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે 2022માં ઓબીસીમાંથી રાજ્યના મુખ્યપ્રધાન આપવામાં આવે, તેવી પણ ચર્ચાઓ થઈ છે. ત્યારે આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજના આગેવાનોએ પણ બેઠક યોજી પાટીદાર ચહેરાને મુખ્યપ્રધાન તરીકે દર્શાવવામાં આવે તેવી માંગણી કરાતા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, ગાંધીનગર ખાતે મળેલી ભાજપ પ્રભારીની બેઠકમાં નિર્દેશ કરાયો છે કે, અત્યારે સાંપ્રત મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળમાં કોઇ બદલાવ નહીં કરવામાં આવે. હાલના તબક્કે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં જ 2022ની ચૂંટણી લડવાની યોજના પર કામ કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ સંગઠન-સરકારના તાલમેલથી કામ કરવા પર ભાર મુકવામાં જણાવવામાં આવ્યું છે. 
દરમિયાન 15 જુનના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે અને ભાજપના તમામ ધારાસભ્યોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં ભાજપના નેતાઓને બહાર નીકળી પ્રજાને શાંતિથી સાંભળી સમસ્યા ઉકેલવા સૂચના આપવામાં આવશે. કોરોના મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી  ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે. 15 જુનના રોજ યોજાનારી બેઠક પણ મહત્વની સાબિત થશે.
ઇંધણોમાં મોંઘવારીના મારથી તોબા !

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer