ગુજરાતમાં પાંચ મહિનામાં 2 કરોડ લોકોનું રસીકરણ

ગુજરાતમાં પાંચ મહિનામાં 2 કરોડ લોકોનું રસીકરણ
1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ અપાયા
 
અમદાવાદ, તા.12 : ગુજરાતે કોરોના રસીકરણ અભિયાનમાં અપૂર્વ સિદ્ધિ મેળવી છે. તા.12 જુન શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 2 કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે. માત્ર પાંચ મહિનામાં બે કરોડ લોકોને વ્યાપક રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રસીકરણના દરેક તબક્કે પ્રતિ મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
રાજ્યમાં અત્યારે દૈનિક 3 લાખ આસપાસ વ્યક્તિઓને કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આજ દિન સુધી હેલ્થ વર્કર જુથમાં 6.17 લાખને પ્રથમ ડોઝ અને 4.46 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ 13.24 લાખ ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ તથા 6.54 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45થી વધુ ઉંમર ધરાવતા કુલ 99.41 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 33.82 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18થી 44 વય જુથના 36.02 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 59 હજાર લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ 4થી જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં શહેરી-ગ્રામીણ વિસ્તારને આવરી લઇ         રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ અભિયાન અંતર્ગત પણ હાલ યુવાઓના વ્યાપક રસીકરણનો રાજ્યવાપી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતમાં રસીકરણ અભિયાનના શરૂ થયાના માત્ર પાંચ જ મહિનામાં બે કરોડ લોકોને વ્યાપક રસીકરણ અભિયાન હેઠળ મુખ્યમંત્રીના સતત માર્ગદર્શનમાં આવરી લેવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકારે કુલ 1200થી વધુ રસીકરણ કેન્દ્રો રાજ્યભરમાં ઉભા કર્યા છે.  દિવ્યાંગ અને વૃદ્ધો માટે વિશેષ વેક્સિનેશન કેમ્પ જેવી પહેલ તથા સામાજિક સંગઠનો, કોમ્યુનિટી હોલ અને ખાનગી હોસ્પિટલના સહકારથી રસીકરણના અભિયાનના વધુ સશક્ત કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આ સફળતા પૂર્વકની કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer