બ્લેક ફંગસની દવા કરમુક્ત; રસી પર 5% યથાવત્

બ્લેક ફંગસની દવા કરમુક્ત; રસી પર 5% યથાવત્
GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણયો   રેમડેસિવીર, ઓક્સિજન, વેન્ટિલેટર, બાયપેપ, ટેસ્ટિંગ કિટ પર 12 ટકામાંથી ઘટાડીને વેરા પાંચ ટકા કરાયા
 
નવી દિલ્હી,  તા. 12 : કોરોના સંકટ વચ્ચે ઘાતક વાયરસની દવા, રસી અને અન્ય જરૂરી વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો કરવા સાથે બ્લેક ફંગસ એટલે કે, મ્યુકોરમાઇકોસીસની દવાને કરમુક્ત કરી દેવાઇ છે. નાણામંત્રી નિર્મલા સીતારામનનાં અધ્યક્ષસ્થાને શનિવારે મળેલી જીએસટી પરિષદની 44મી બેઠકમાં મહત્ત્વના ફેંસલા લેવાયા હતા. રસી પર પાંચ ટકા દર યથાવત્ છે.
પ્રધાનોનાં જૂથની ભલામણ સ્વીકારતાં જીએસટી કાઉન્સિલે બ્લકે ફંગસનાં વકરતાં સંક્રમણને ધ્યાને લઇ આ દર્દની દવા વેરામુક્ત કરવાની મંજૂરી આપી દીધી છે.
કોરોનાની દવા રેમડેસીવીર ઉપરાંત ઓક્સિમીટર, મેડિકલ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર પર જીએસટી દર 12 ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે.
જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં સીતારામને કહ્યું હતું કે, કોરોનાની રસી પર પાંચ આ જીએસટી બરકરાર છે.
નાણાંપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર 75 ટકા રસી ખરીદે છે. તેના પર જીએસટી પણ જાતે આપે છે, પરંતુ સરકારી હોસ્પિટલોનાં માધ્યમથી મફત અપાતાં જનતા પર જીએસટીની કોઇ અસર નહીં પડે.
વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી યોજીત 44મી બેઠકમાં ટોસીલીઝુમેબ, એમ્ફોટેરેસિન-બી દવાઓને કરમુક્ત કરાઇ હતી. અત્યાર સુધી આ દવાઓ પર પાંચ ટકા વેરા લાગુ થતા હતા.
એમ્બ્યુલન્સ પર જીએસટી દર અત્યારના 28 ટકામાંથી ઘટાડીને 12 ટકા કરવાનો ફેંસલો આજની બેઠકમાં લેવાયો હતો.
ઉપરાંત, ઓક્સિજન કોસન્ટ્રેટર, જનરેટર (વ્યક્તિગત આયાત સહિત) વેન્ટિલેટર, માસ્ક, બાયપેપ મશીન, હેલ્મેટ, હાઇફ્લો નોઝલ કેન્યુલા ડિવાઇસ સહિત કોરોનાની સારવાર સંબંધિત ઉપકરણોના જીએસટી દર પણ 12 ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયા છે.
કોવિડ ટેસ્ટિંગકિટ અને સ્પેસિફાઇડ ઇન્ફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કિટ પર પણ જીએસટીનો દર અત્યારે લાગુ 12 ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.
અગાઉ મે મહિનામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ખાસ કોવિડ સંબંધિત સામગ્રી પર જીએસટી દરો તર્કસંગત બનાવવાના હેતુ સાથે ખાસ મંત્રીઓનાં જૂથની રચના કરાઇ હતી. આ જૂથની જ ભલામણોને ધ્યાને લઇને પરિષદ દ્વારા આજે ફેંસલા કરાયા હતા.
 
ગુજરાત નોટિફીકેશન બહાર પાડશે
જીએસટી બેઠક બાદ મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણોનો કેન્દ્ર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. આ નિર્ણય તા. 14-06-2021 થી તા. 30-09-2021 સુધી અમલી રહેશે. જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તેમણે કોરોના સંબંધિત વપરાતા સાધનો પરની જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડા અનુસાર ટોસોલિઝુમેબ અને એમ્ફોટેરિસિન ઇન્જેક્શન પરનો જીએસટી સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer