ISI માર્ક વિનાની હેલ્મેટ બદલ થઈ શકે છે દંડ

ISI માર્ક વિનાની હેલ્મેટ બદલ થઈ શકે છે દંડ
લાગુ થયો નવો નિયમ : સુરક્ષા માપદંડ વિનાની હેલ્મેટની ખરીદી કે વેચાણ ગુનાને પાત્ર
નવી દિલ્હી, તા. 10 : દેશમાં આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટ વેચવા અને ખરીદવા ઉપર પુરી રીતે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ નિર્ણય એક જૂનથી અમલમાં આવી ચુક્યો છે. જો લોકો બીઆઈએસ સર્ટિફિકેશન ન ધરાવતી હેલ્મેટ પહેરીને નિકળશે તો ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે. આવી હેલ્મેટ ખરીદવા કે વેચવા ઉપર દંડ અને સજા બન્ને થઈ શકે છે. હકીકતમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 26 નવેમ્બર 2020ના ટુ-વ્હીલર ઉપર સવાર લોકો માટે હેલ્મેટ (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ની અધિસુચના જારી કરી હતી. જેમાં તમામ હેલ્મેટ બીઆઈએસ પ્રમાણિત હોવી અનિવાર્ય કરવામાં આવી છે. 6 મહિનાનો સમયગાળો પુરો થયા બાદ નિયમ એક જૂનથી પ્રભાવી થયો છે. જો કે મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે. નવા નિયમો અનુસાર હેલ્મેટ ઉપર આઈએસઆઈ માર્ક હોવો જોઈએ. એટલે કે તે સુરક્ષા માપદંડની દ્રષ્ટિએ યોગ્ય છે. આઈએસઆઈ માર્ક વિનાની હેલ્મેટને નકલી માનવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આઈએસઆઈ માર્ક વિનાની હેલ્મેટની ખરીદી કે વેચાણ કરતો હશે તો તેને એક વર્ષ સુધીની જેલ અને લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ દંડ પાંચ લાખ રૂપિયા સુધી વધારી પણ શકાશે.
એક ગેર સરકારી સંગઠન ટ્રેક્સના સંસ્થાપક રજની ગાંધીના કહેવા પ્રમાણે ભારતમાં દર વર્ષે સડક દુર્ઘટનામાંથી 37 ટકા દુર્ઘટના ટુ-વ્હીલર ચાલકો સાથે થાય છે. તેમાંથી 80 ટકા બાઈક સવારોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાથી કે હલકી ગુણવત્તાની હેલમેટ પહેરવાથી થાય છે. તેવામાં હેલ્મેટ ટુ-વ્હીલર સવાર દરેક પુરુષ, મહિલા અને બાળકો માટે અનિવાર્ય છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, બાઈકની ખરીદી સાથે હેલ્મેટની ખરીદી જરૂરી હોવી જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer