આ તે કાળ કે કોરોના; દેશમાં વિક્રમી 6148 મૃત્યુ

આ તે કાળ કે કોરોના; દેશમાં વિક્રમી 6148 મૃત્યુ
-મૃત્યુનો વિશ્વવિક્રમ... નવા 94,052 દર્દી, કુલ 2.91 કરોડને પાર,
60 દિવસે 12 લાખથી  ઓછા સક્રિય કેસ; 2.76 કરોડથી વધુ દર્દી સાજા
 
નવી દિલ્હી, તા. 10 : કાળ કોરોનાનો વેશપલટો કરીને જાણે ત્રાટક્યો હોય તેમ સ્મશાનો રાત-દિવસ ધમધમતાં સ્વજનો ખોનારાઓનાં કલ્પાંતથી ચોમેર કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. ભારતમાં માત્ર 24 કલાકના ગાળામાં કોરોના 6148 સંક્રમિતોને ભરખી ગયો હતો. મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી દુનિયાના કોઈ પણ દેશમાં એક દિવસમાં આટલાં બધાં મોત થયાં નથી.
દેશમાં ગુરુવારે વિક્રમી છ હજારથી વધુ મોત સાથે કુલ મરણાંક 3.59 લાખને આંબી 3,59,676 પર પહોંચી ગયો છે. કોરોનાથી મૃત્યુનો દર વધીને 1.23 ટકા થયો છે.
હકીકત કંઈક એવી છે કે, બિહારમાં મોતના આંકડા ખોટા હતા અને રાતોરાત ફેરતપાસ બાદ વધુ 3971 મોત સામે આવતાં એક દિવસમાં ભારતમાં 6148 દર્દીએ જાન ગુમાવ્યા છે.
ભારતમાં આજે ત્રીજા દિવસે એક લાખથી ઓછા નવા દર્દી ઉમેરાયા છે. જો કે, ગઈકાલની તુલનાએ વધુ 94,052 નવા દર્દી સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 2.91 કરોડને પાર, બે કરોડ, 91 લાખ, 83,121 પર પહોંચી ગઈ છે.
દેશમાં 24 કલાક દરમ્યાન વધુ 1,51,367 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 2.76 કરોડથી વધુ, બે કરોડ, 76 લાખ, 55,493 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
-------------
બિહારમાં મૃત્યુઆંકમાં ઘાલમેલ : 24 કલાકમાં 73 ટકાનો વધારો
મૃતકોની સંખ્યા 5458માંથી વધીને 9429 થઈ
પટણા, તા. 10 : બિહારમાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુના આંકડામાં મોડી ઘાલમેલનો ખુલાસો થયો છે. જેની આશંકા ખૂબ અગાઉથી લગાડવામાં આવી રહી હતી.  તેવામાં હવે સરકારી રેકોર્ડથી પડદો ઉંચકાયો છે. 24 કલાકમાં કોરોના મૃતકોનો આંક 5458થી વધીને 9429 થયો છે. એટલે કે સંખ્યામાં 73 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે, શું રાજ્ય સરકારે મૃત્યુઆંક છુપાવ્યો છે. લોકોના કહેવા પ્રમાણે હોસ્પિટલ અને સ્મશાનના આંકડાથી અંદાજ લગાડવામાં આવે તો મૃત્યુઆંક ખૂબ ઉંચો હોય શકે છે.
બિહાર સરકાર દરરોજ કોરોનાથી થનારા મૃત્યુના આંકડા જારી કરતી અને અને આ રિપોર્ટ જિલ્લાઓમાંથી મોકલવામાં આવતા રિપોર્ટના આધારે તૈયાર થતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લાઓમાંથી મૃતકોની જે સંખ્યા મોકલવામાં આવતી હતી તેમાં મોટાપ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી છે. હાઈકોર્ટની લપડાક બાદ 18 મેના રાજ્ય સરકારે કોરોનાથી થનારા મૃત્યુને લઈને તપાસ માટે બે પ્રકારની ટીમ બનાવી હતી. બન્નેની તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુના આંકડા છૂપાવવામાં આવ્યા હતા અને સરકારને ખોટી જાણકારી મોકલવામાં આવી હતી. હવે સરકાર ખોટા આંકડા મોકલનારા ઉપર કાર્યવાહીની તૈયારી કરી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer