ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની હત્યા કરવા માટે નિખીલ દોંગા ભાગ્યો’તો?

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની હત્યા કરવા માટે નિખીલ દોંગા ભાગ્યો’તો?
ગોંડલમાં ફરી વૈમનસ્ય ઉભું થવાની દહેશત
જામીન અરજીનો વિરોધ કરતાં સોગંદનામામાં પૂર્વ ધારાસભ્યના જીવ જોખમ હોવાનો ઉલ્લેખ
રાજકોટ, તા. 10: ગોંડલમાં બે જ્ઞાતિ વચ્ચે ફરી વૈમનસ્ય ઉભું થાય તેવી સ્થિતિ ઉભી થયાનું ખુદ પોલીસ કહી રહી છે. ગુજસીટોક સહિતના સંખ્યાબંધ ગુનામાં પકડાયેલ અને ભુજની હોસ્પિટલમાંથી નાસી ગયેલ નામચીન શખસ નિખીલ દોંગા અને તેની ગેંગ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે.
ગુજસીટોક સહિતના સંખ્યાબંધ ગુનામાં પકડાયેલા ગોંડલના નામચીન શખસ નિખીલ દોંગાની ગેંગ અને તેના  સાગરીતોએ ગોંડલ સબ જેલમાં પાર્ટી કરી હતી. તેના પગલે નિખીલ દોંગાને ભુજની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ભુજની જેલમાંથી નિખીલ દોંગા સારવારના બહાને હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યાં પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. બાદમાં તેને તથા તેના બે સાગરીતને નૈનીતાલની હોટલમાંથી ઝડપી લેવાયા હતાં. આ ગુનામાં પકડાયેલા ગોંડલના રેનીશ ઉર્ફે લાલજી ડાહ્યાભાઇ માલવિયા, રાજકોટના ભરત ઝેવરભાઇરામાણી, નિકુંજ પટેલ, પાર્થ ઉર્ફે લાલો બિપીનભાઇ ધાનાણી, જેતપુરના વિપુલ સચાણિયા અને ભુજના વિજય વિઠ્ઠલભાઇ સાંઘાણીએ જામીન પર છોડવા માટે ભુજની  કોર્ટમાં અરજી કરી હતી. આ જામીન અરજી રદ્દ કરવા માટે પોલીસ દ્વારા સરકારી વકીલ મારફતે કોર્ટમાં સોગંદનામુ રજુ કરાયું હતું. જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો. ગોંડલના નિખીલ દોંગા અને તેના સાગરીતોએ નાસી જઇને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
નામચીન નિખીલ દોંગના નાસી જવાના બનાવની તપાસમાં એવી બહાર આવ્યું હતું કે, જેલમાં નિખીલને મળવા ગયેલા ભરત રામાણી, ભાવિક ઉર્ફે ખીલી, રેનીશ, શ્યામલ દોંગા અને સાગરને નિખીલે એવું કહ્યું હતું કે, આ જયરાજસિંહનું કંઇ કરવું પડશે. તે માટે જેલમાંથી ભાગવું પડશે ભાગવા માટે  શામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત નિખીલે એવું પણ કહ્યું હતુ કે, તેની તેના પિતા રમેશ દોંગા સામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે બે ગુના રજીસ્ટર કરાવ્યા છે. પોલીસના સોગંદનામામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના જીવ પર જોખમ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 2003ની સાલમાં ગોંડલમાં વિક્રમસિંહ રાણાની હત્યા થયા બાદ બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઉભુ થયું હતું. 2004ની સાલમાં નિલેશ રૈયાણીને ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. રાજકોટમાં ભાજપના અગ્રણી વિનુ શીંગાળાની હત્યા થઇ હતી. નિલેશ રૈયાણી ખૂન કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ધરપકડ થઇ હતી. હાઇકોર્ટે તેને સજા પણ કરી હતી હવે જયરાજસિંહની હત્યાનો પ્લાન હોવાની વિગતો સપાટી પર આવી છે ત્યારે ગોંડલમાં ફરીથી બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઉભી થાય તેવી દહેશત વ્યકત થઇ રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer