નવ વર્ષની માસુમ ભત્રીજીની દસ્તાના ઘા મારી કાકીએ કરી ક્રૂર હત્યા

નવ વર્ષની માસુમ ભત્રીજીની દસ્તાના ઘા મારી કાકીએ કરી ક્રૂર હત્યા
ઉપલેટામાં હૈયુ હચમચાવતી ઘટના: કાકી તથા પુરાવાનો નાશ કરવા અંગે કાકા અને પિતાની અટકાયત
ઉપલેટા, તા. 10: ઉપલેટામાં હૈયુ હચમચાવી દે તેવી ઘટના બની હતી. દેરાણી, જેઠાણી વચ્ચેની તકરારના કારણે નવ વર્ષની માસુમ બાળકી આયુષીના માથામાં દસ્તાના ઘા મારીને  તેની કાકી વંદના મયુરભાઇ નિમાવતે ક્રૂર હત્યા કરી હતી. બાળકીના ખૂન અંગે કાકી તથા પુરાવાનો નાશ કરવા અંગે કાકા અને પિતાની પોલીસે અટકાયત કરી હતી.
અહીંના યાદવ રોડ પરની સર્વોદય સોસાયટીમાં રહેતાં અને અશોક સાબુના નામે સાબુની દુકાન ધરાવતાં ચેતનભાઇ અને મયુરભાઇ નિમાવત સંયુકત કુટુંબમાં રહે છે. ચેતનભાઇને સંતાનમાં બે પુત્રી છે, મયુરભાઇને સંતાનમાં બે પુત્ર છે. એક જ મકાનમાં રહેતા બન્ને ભાઇને પત્નીઓ દેરાણી, જેઠાણી વચ્ચે નાની-મોટી બાબતે અવારનવાર વાંધા વચકા અને તકરાર થતી રહેતી હતી. આ ઝઘડાનો  બદલો લેવો હોય તેમ બે દિવસ પહેલા બપોરના ચારેક વાગ્યાના સુમારે  દેરાણી વંદના રૂમમાં ટીવી જોઇ રહેલી તેની નવ વર્ષની માસુમ ભત્રીજી આયુષીને તને કંઇક વસ્તુ અપાવું તેમ કહીને મકાનની અગાસી પર લઇ ગઇ હતી. અગાસી પર આયુષીને સુવડાવીને તેના માથામાં દસ્તાના બે  ઘા મારી દીધા હતાં.
તેના કારણે બાળકી આયુષીનું માથુ ફાટી ગયું હતું અને તે ઘટના સ્થળે જ બેભાન થઇ હતી. બાદમાં વંદનાએ આયુષી પડી ગયાની પતિ અને જેઠ ચેતનભાઇને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળાને તુરત જ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બીજીતરફ કાકી વંદનાએ અગાસી પરના લોહીના ડાઘ વગેરે સાફ કરી નાખ્યા હતાં.
આ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવીને પોલીસને જાણ કર્યા વગર પિતા, કાકા વગેરેએ બાળાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતાં. બાદમાં પસ્તાવો થતાં માસુમ બાળકીની હત્યાની વાત સગાને કરી હતી. એ પછી સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
પોલીસે બાળકીની હત્યા કરવા અંગે તેની કાકી વંદના તથા પુરાવાનો નાશ કરવા અંગે તેના પતિ મયુર અને પિતા ચેતનભાઇ નિમાવતની અટકાયત કરી હતી. હાલમાં ત્રણેયની પૂછપરછ ચાલે છે અને ત્રણેયના કોરોનાના રિપોર્ટ કરાવાયા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી થશે.
પિતાને સ્વભાવની જાણ હતી
માસુમ બાળકીના પિતા ચેતનભાઇને તેના નાનાભાઇની પત્ની વંદનાના ઉગ્ર સ્વભાવની જાણ હતી. પુત્રીને હોસ્પિટલમાં ખસેડી ત્યારે તે ઘેર ગયો હતો. છત પર લોહીના ડાઘ જોઇ તથા સાંજના સમયે ચાદર અને ધુસો સુકાતા જોઇને તે બધુ સમજી ગયા હતાં.
પોલીસ માટે મુશ્કેલી
કાકા, કાકી અને પિતાએ હત્યાના પુરાવાનો નાશ કરી દીધો હોવાથી પોલીસે પુરાવા એકત્ર કરવાનું મુશ્કેલ બન્યું છે. આમછતાં એફએસએલ અધિકારીની મદદ લઇને સ્મશાનમાંથી બાળકીના અસ્થી વગેરે કબજે કરવા અને તેના ડીએનએ ટેસ્ટ કરાવીને સાંયોગિક પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યુ છે. હાલમાં પોલીસ પાસે માત્ર આરોપીઓની કબૂલાતનો જ આધાર છે.
પૂર્વ યોજીત ઘટના
માસુમ આયુષીની હત્યા કરવાનું અગાઉથી  આયોજન કરાયું હોય તેમ કાકી વંદનાએ પ્રથમ અગાસી પર જઇને ચાદર પાથરી આવી હતી. ત્યાં હત્યા કરવા માટે લોખંડનો દસ્તો પણ મૂકી આવી હતી. બાળકીને છત પર લઇ જઇને ચાદર પર સુવડાવીને માથામાં દસ્તાનો એક જોરદાર ઘા મારી દીધો હતો.  બાળકી તડફડતી હતી. તેના પર કોઇ દયા રાખ્યા વગર બીજો ઘા પણ મારી દીધો હતો.
લોહીના ડાઘ પિતા અને કાકાએ સાફ કર્યા
બાળકીના માથા પર દસ્તાના ઘા માર્યા બાદ કાકી વંદનાએ છત પરના લોહીના ડાઘ સાફ કરી નાખ્યા હતાં. અન્ય સ્થળે પડેલા લોહીના ડાઘ મૃતકના પિતા ચેતનભાઇ અને કાકા મયુરે સાફ કરીને પુરાવાનો નાશ કર્યો હતો. એટલુ જ નહી પણ બાળકીના મૃતદેહના અગ્નિસંસ્કાર કરીને પુરાવાનો નાશ કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer