રાજકોટ નજીક ‘આણંદ’પરમાં ‘અમૂલ’નો જાયન્ટ પ્લાન્ટ બનશે

રાજકોટ નજીક ‘આણંદ’પરમાં ‘અમૂલ’નો જાયન્ટ પ્લાન્ટ બનશે
135 એકર જમીન ફાળવવા કલેક્ટરે સરકારમાં દરખાસ્ત કરી
શરૂઆતમાં 25 લાખ લીટર દૂધની પ્રોસેસ કરવામાં આવશે
આઈસક્રીમ, બટર, બ્રેડ સહિતની આઈટમો પણ બનાવવામાં આવશે
રાજકોટ, તા.10 : રાજકોટમાં એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કોર્ટ બિલ્ડીંગ જેવા નજરાણાઓ મળી ગયા છે અને નિર્માણની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના આણંદપરમાં અમૂલ ડેરીનો જાયન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કલેક્ટરે કરતા સૌરાષ્ટ્ર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અમૂલ ડેરી માટે 135 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં મળનારી કેબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ પ્લાન ફાઇનલ કરવામાં આવશે.
મોસાળે જમણ અને મા પિરસનાર આ કહેવત રાજકોટ માટે સાર્થક થઈ છે અને રાજકોટમાં વધુ એક પ્રોજેકટ સ્થાપવના પ્રયાસો ચાલી રહ્યા છે. આણંદપર પાસે અમૂલનો પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટ કલેકટર દ્વારા 135 એકર જેટલી જમીન ફાળવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે જે અંગે આગામી કેબીનેટમાં નિર્ણય લેવામાં આવશે. આ સંદર્ભે કલેકટર સુશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટની ભાગોળે આવેલા આણંદપર પાસે અમૂલનો પ્લાન્ટ સ્થાપવા માટે પ્રપોઝલ કરવામાં આવી હતી. જે માટે સરકારમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરખાસ્ત મૂકાઈ છે અને આ પ્લાન્ટ માટે 135 એકર જમીન આપવા દરખાસ્ત કરતા આગામી મળનાર કેબીનેટમાં નિર્ણય લેવામાં આવશે. આ પ્રોજેકટ રાજકોટને મળશે તેવો વિશ્વાસ કલેકટરે વ્યકત કર્યો છે.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, પ્લાન્ટની સ્થાપના બાદ કાર્યરત થશે ત્યારે શરૂઆતમાં 25 લાખ લીટર દૂધની પ્રોસેસ કરવામાં આવશે અને ત્યાર બાદ ધીમે ધીમે આ પ્રોસેસની ગતિ વધારવામાં આવશે તેમજ શરૂઆતમાં દૂધ અને બાદમાં અમૂલની ડેરી પ્રોડકટ સહિત આઈક્રીમ, બટર, બ્રેડ સહિતની આઈટમો પણ બનાવવામાં આવશે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer