પાંચ વર્ષથી નાનાં બાળકોને માસ્ક નહીં

પાંચ વર્ષથી નાનાં બાળકોને માસ્ક નહીં
બાળકોને રેમડેસિવીર આપવી નહીં ા સ્ટીરોઈડનો ઉપયોગ હાનિકારક : ભારત સરકારની માર્ગદર્શિકા
નવી દિલ્હી, તા. 10 : ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.
વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.
ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.
કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન  સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.
-------------
બે વર્ષનાં બાળકો પર વિશ્વનું પ્રથમ રસી પરીક્ષણ ભારતમાં
કાનપુર, તા. 10 : કોરોનાથી બચ્ચાંને બચાવવા બેથી છ વરસનાં બાળકો પર દુનિયાનું પ્રથમ રસી પરીક્ષણ કાનપુરમાં થશે. અત્યાર સુધી આટલા નાની વયનાં બાળકો પર પરીક્ષણ ક્યાંય થયું જ નથી.ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિનથી આ પરીક્ષણ શરૂ કરાશે. આગામી મહિને આ રસીનું નેઝલ સ્પ્રે પણ આવી જશે. ગત મંગળવારથી ટ્રાયલની કવાયત શરૂ થઈ છે. પ્રથમ દોરમાં 12થી 18 વરસનાં 20 બાળકો પર પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ ગઈકાલે બુધવારે છથી 12 વરસનાં પાંચ બાળકોને રસી અપાઈ હતી પછી 4પ મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા હતા. હવે 2થી 6 વરસનાં બાળકો પર ટ્રાયલ થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer