યોગી-શાહની બેઠક : યુપી મુદ્દે દિલ્હીમાં હલચલ

યોગી-શાહની બેઠક : યુપી મુદ્દે દિલ્હીમાં હલચલ
યુપીમાં ફેરબદલની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રીના દિલ્હીમાં ધામા : આજે મોદી સાથે મુલાકાત
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 10 : ઉત્તર પ્રદેશમાં રાજકીય અસંતોષના અહેવાલો વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય અગ્રણી નેતાઓને મળવા માટે આજે અચાનક દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંન્ને વચ્ચે આશરે દોઢ કલાક બેઠક ચાલતાં રાજકીય ગરમી વધી છે. યોગી શુક્રવારે સવારે 10:4પ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જશે ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે બપોરે 1ર:30 કલાકે મુલાકાતનો કાર્યક્રમ છે.
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિનો સામનો કરવામાં યોગી આદિત્યનાથની સરકારની કામગીરી અંગે કેટલાકે તેમની ટીકા કરી છે અને આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં તેની અસર થવાનો ભય વ્યક્ત ર્ક્યો  છે. ઉત્તર પ્રદેશ ભાજપમાં ગયા મહિનાથી આ સ્થિતિ બાદ યોગી આદિત્યનાથની દિલ્હીના નેતૃત્વ સાથે આ પહેલી મુલાકાત છે. યોગી આદિત્યનાથ બે દિવસ દિલ્હીમાં રહેશે. આજે બપોરે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી. તેઓ આવતી કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની મુલાકાત લેશે. દરમિયાન આજે નડ્ડા અને મોદી વચ્ચે પણ મુલાકાત થઈ હતી, જેમાં ઉત્તર પ્રદેશ સંબંધી વાતચીત થયાના અહેવાલો છે.
કોંગ્રેસના અગ્રણી નેતા અને ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ નેતા જિતિન પ્રસાદે ભાજપમાં પ્રવેશ ર્ક્યાના એક દિવસ બાદ યોગીએ દિલ્હીની મુલાકાત લીધી છે. જિતિન પ્રસાદ રાજ્યની આગામી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
આગામી ચૂંટણીમાં એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. ઘણાં સંસદસભ્ય અને વિધાનસભ્યોએ ઉત્તર પ્રદેશમાં કોવિડ સંક્રમણ સ્થિતિની વ્યવસ્થા અંગે પોતાની જ સરકારની ટીકા કરી છે અને તાજેતરની પંચાયત ચૂંટણીના પરિણામ પર એની અસર જોવા મળી છે.
ગયા અઠવાડિયે, વરિષ્ઠ ભાજપ નેતા બી. કે. સંતોષે એક કેન્દ્રીય મંડળનું નેતૃત્વ કરીને ઉત્તર પ્રદેશમાં પ્રધાનો, સંસદસભ્યો અને વિધાનસભ્યો તથા મુખ્ય પ્રધાન સાથે પણ બેઠકો યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આરએસએસના વરિષ્ઠ નેતા, દત્તાત્રેય હોસબોલેએ ભાજપના સંગઠન અને યોગી સરકારની કામગીરીની સમીક્ષા માટે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી.
જો કે, ઉત્તર પ્રદેશમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને ભાજપે ફગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં યોગી જ પાર્ટીનું નેતૃત્વ કરશે પરંતુ અન્ય ફેરફારોની શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
વડા પ્રધાનના વિશ્વાસુ મનાતા પૂર્વ સનદી અધિકારી, અરવિંદ શર્માને ઉત્તર પ્રદેશ સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવે એવી શક્યતા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer