સુરતના કડોદરા હાઈવે પરથી ડ્રગ્સના જથ્થા સાથે નાઇજીરિયન ઝડપાયો

ડીંડોલી બ્રીજ નીચેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત ચાર ઝડપાયા
સુરત, તા. 10: સુરતના કડોદરા હાઇ-વે પરના સીએનજી પમ્પ પાસેથી પસાર થઇ રહેલા એક નાઇજીરીયન પાસે ડ્રગ્સનો જથ્થો હોવાની ચોકકસ બાતમીના આધારે એસઓજીની ટીમ પહોંચી ગઇ હતી. એ નાઇજીરીયન શખસને અટકાયતમાં લીધો હતો. પોલીસની પૂછપરછમાં એ શખસે તેનું નામ  તોચુકવુ સન્ડે હોવાનું અને તે નાઇજીરીયાના લાગોસ સ્ટેટના મોરડેયોનો વતની હોવાનું જણાવ્યું હતું. હાલ તે મુંબઇના નાલાસોપારાના લીંક રોડ પર નેહા એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેના સામાનની  તલાશી લેતાં   કોકેઈન જેનું વજન 34.09 ગ્રામ કિમત રૂ. 2,72,720/- તથા, મેથા એમ્ફેટામાઈન કે જેનું વજન 3.09 ગ્રામ જેની કુલ કિંમત રૂ. 30,900 મળી આવ્યા હતાં. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન નં.2 કિંમત રૂ. 2000/-, પાસપોર્ટ, અને એક મરૂન કલરની બેગ, સીમ કાર્ડ  મળી કુલ્લે રૂ. 3,05,620/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુ પૂછપરછમાં તેણે  માલ આપનાર સેમ્યુઅલ પોલ હાલ રહે, મુંબઈ.,  મુળ  નાઈજીરિયા, કેવીન રહે.મુંબઈ., મુળ નાઈજીરિયા. હોવાનું જણાવ્યું હતું અને ડ્રગ્સનો જથ્થો સુરતના  અલથાણાના એક અજાણ્યા શખસને આપવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે.
દરમિયાન સુરતમાં ખરવાસાના ડીંડોલી બ્રીજ નીચે આવેલ ટી પોઈન્ટ પાસેથી બાતમીના આધારે પોલીસે એક કારને ઝડપી લઈ તલાસી લેતા તેમાંથી રૂ.7.90 લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો 69 ગ્રામ જથ્થો મળી આવતા કબજે કર્યો હતો.પોલીસે કાર, લાયસન્સ, ડ્રગ્સ, રૂ.4380 ની રોકડ, છ મોબાઈલ સહિત રૂ.1ર.ર7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે મુળ રાજસ્થાન પંથકના અને હાલમાં સુરતમાં પર્વત પાટિયા પાસે સાંનિધ્ય રેસીમાં રહેતા જમીન મકાનના દલાલ કમલેશ શાંતિલાલ દુગડ, મૂળ પેટલાદના અને હાલમાં અમરોલીમાં ક્રિષ્ના રેસી.માં રહેતા વિકાસકુમાર ઉર્ફે વિકી હસમુખ પટેલ, મૂળ ઉત્તરપ્રદેશની અને હાલમાં સુરત ડીંડોલીમાં રાજદીપ સોસાયટીમાં રહેતા ક્રિષ્નાદત્ત સુરેશચંદ્ર દુબે અને મૂળ બિહાર પંથકની અને હાલમાં સુરતમાં કારગીલ ચોકમાં પ્રગતિ સોસાયટીમાં રહેતી પૂજા રાજેશ્વર મોહન ગુપ્તાને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer