પરવડી ગામના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી રૂ.1.58 લાખ પડાવનાર 3 શખસ ઝડપા

પરવડી ગામના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી રૂ.1.58 લાખ પડાવનાર 3 શખસ ઝડપા
મહિલા સહિત બેની શોધખોળ : કાર કબજે
ગારિયાધાર, તા.10: ગારિયાધારના પરવડી ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી રૂ.1.પ8 લાખની મતા પડાવનાર ભાવનગરના ત્રણ શખસને પોલીસે ઝડપી લીધા હતા અને મહિલા અને એક શખસની શોધખોળ શરૂ કરી વધુ તપાસ અર્થે ત્રિપુટીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પરવડી ગામે રહેતા કિશોરભાઈ નરસીભાઈ ખેની નામના ખેડૂતને દોઢેક વર્ષ પહેલા ભજિયા પાર્ટીમાં આવેલા ભાવનગરના ગઢેચી વડલા શીવનગરમાં રહેતો અલ્પેશ મુકેશ રાઠોડ નામનો શખસ સંપર્કમાં આવ્યો હતો અને કિશોરભાઈ ખેનીના પરીવાર સંદર્ભેની માહિતી મેળવ્યા બાદ મોબાઈલ નંબર લીધો હતો અને મોજ-મજા કરાવવાનું કામ કરતો હોવાનું જણાવ્યુ હતું. બાદમાં કિશોરભાઈ ખેનીને અવાર નવાર અલ્પેશ રાઠોડ નામના શખસે ફોન કરી મોજ-મજા કરાવવાની વાત કરી હતી. પરંતુ કિશોરભાઈ ખેનીએ ઈનકાર કર્યે હતો.
દરમિયાન ગત તા.1/6ના કિશોરભાઈ ખેની તેના ઘેર હતા. ત્યારે અલ્પેશ રાઠોડ અને માયાબેન નામની મહિલા આવ્યા હતા અને ઘરના ફળિયામાં બેઠા હતા અને કિશોરભાઈ ઘરમાં પાણી ભરવા ગયા હતા. તે દરમિયાન અન્ય બે શખસ આવ્યા હતા અને યુવરાજસિંહ અને મહિપાલસિંહ નામ હોવાનુ જણાવ્યુ હતું. બાદમાં કિશોરભાઈને મકાનના રૂમમાં લઈ જઈ મારકૂટ કરી હતી અને સાથેની મહિલાએ કપડા ઉતારી નાખી કિશોરભાઈને ધમકાવી રૂ. ર લાખની માગણી કરી હતી. બાદમાં રૂ.પ8 હજાર હોવાનું જણાવતા પડાવી લીધા હતા અને બીજા દોઢ લાખની માગણી કરતા કિશોરભાઈએ તેના મિત્ર કેવલ નરસીભાઈ ખેનીને ફોન કરી પૈસા મગાવ્યા હતા અને ચારેય નાસી છૂટયા હતા.
બાદમાં ગત તા.6/6ના ફરીથી કિશોરભાઈ ખેનીના મોબાઈલ ફોન પર અલ્પેશ રાઠોડનો ફોન આવ્યો હતો અને દોઢ લાખની ઉઘરાણી કરી હતી અને દુષ્કર્મના ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા.9/6ના યુવરાજસિંહ નામના શખસનો ફોન આવ્યો હતો અને પરવડી મઢુલી પાસે પૈસા પહોંચાડવા ધમકાવ્યા હતા. આ અંગે કિશોરભાઈ ખેનીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે છટકૂ ગોઠવ્યુ હતુ. પોલીસે ભાવનગરમાં શીવનગરમાં રહેતા અલ્પેશ મુકેશ રાઠોડ, તળાજાના તણસા દરબારગઢમાં રહેતા યુવરાજસિંહ ગટુભા ગોહિલ અને જેસરના વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયાને ઝડપી લીધા હતા અને કાર કબજે કરી હતી.
પોલીસે કિશોરભાઈ ખેની ફરીયાદ પરથી પાંચેય સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા ભાવનગરમાં તળાજા જકાતનાકા પાસેના કામીનિયાનગરમાં રહેતી માયાબેન ભરત ડોડિયા અને ભાવનગરમાં નારી ચોકડી પાસે રહેતો હરપાલસિહ કનકસિંહ ચુડાસમા હોવાનું ખુલતા બંનેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer