આજે ભક્તોને મળશે ભગવાન સોમનાથ, દ્વારકા, ચોટીલા, પાવાગઢ આજથી અને 12 જૂને અંબાજી મંદિર ખુલશે

તમામ મંદિરોમાં સરકારની માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન કરવું પડશે
અમદાવાદ, તા. 10: રાજ્યમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ઘટતાં 11 મેથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે, જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલાનો સમાવેશ થાય છે, જ્યારે વડતાલ સ્વામિનાયણ મંદિર, ખોડલધામ મંદિર છે. અંબાજી, 12 જૂનથી અને વીરપુર જલારામ મંદિર તા. 14 જૂનથી, બગદાણા 15 જૂન બાદ ખૂલશે. સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા. 11 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, જે હવે તા.11 જૂન 2021થી ભાવિકો માટે ખૂલી જશે. આમ આ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસે ફરી મંદિર ખૂલશે. જેમાં ગાઈડલાઈન્સ મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરીને જ જઇ શકાશે. સવારે 7:30થી 11:30 અને 12:30થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખૂલશે. આરતીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે
યાત્રાધામ દ્વારકામાં સુપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશજી મંદિરને તા.11મી જૂનથી જગત મંદિરને  દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. બેટ દ્વારકાધીશ જગત મંદિર પણ ખુલશે. કોરોના મહામારીના પગલે 13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર 57 દિવસ બાદ માના દર્શનને લઈ ભક્તો માટે 12 જૂનથી ખુલ્લું મુકાશે, જોકે મા અંબાનાં દર્શન કરવા આવનારા દર્શનાર્થીને મા અંબાના સિંહની સવારીવાળા ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહીં દેવાય, પણ ચાલતાં ચાલતાં જ દર્શનાર્થીએ દર્શન કરી લેવા પડશે. 
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરનાં દ્વાર તારીખ 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલી જશે. સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામુંડા માતાજી તેમજ ભાવનગરના ખોડિયાર મંદિર 11 જૂનથી ખુલ્લું મુકાશે, સાથે જ વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખૂલશે. લેઉવા પટેલ સમાજના એકતાનું પ્રતીક ખોડલધામ મંદિર 11 જૂનથી ખૂલશે, મંદિર સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ધ્વજારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે. વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ તારીખ 11 એપ્રિલના રોજ પૂજ્ય જલારામ બાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે 65 દિવસ બાદ એટલે કે 14 જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે. સરકાર જોકે સવાર-સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે નહીં. જલારામ બાપાના દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer