દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ દરિયો તોફાની રહેશે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદ, તા. 10: ગુજરાતમાં ચોમાસું વધુ આગળ વધ્યું છે. વલસાડથી આગળ વધી સુરત સુધી ચોમાસું પહોંચી ગયું છે ત્યારે આજથી રવિવાર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટોછવાયો વરસાદ આવી શકે છે. 
30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સક્રિય થઈ શકે છે, તેવું હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન લાલે જણાવ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. જેના પગલે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલાંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. 
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને હવામાન વિભાગે દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની રહેશે. હવાની ગતિ 60 કિમી સુધી પહોંચશે. સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer