ખાનગી હોસ્પિટલના રસીકરણ કેન્દ્રો બંધ

ખાનગી હોસ્પિટલના રસીકરણ કેન્દ્રો બંધ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.7: રસીકરણની ઝડપ વધતી નથી કારણ કે રસીનો પુરતો પુરવઠો મળતો નથી અને હવે રાજ્યો પર રસી ખરીદવાની જવાબદારી નાખવામાં આવી છે. ગુજરાતે અઢી કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે એ ક્યારે મળશે એ નક્કી નથી. સીરમ દ્વારા જુલાઇ સુધી રસીની ખેંચ રહ્યાનો નિર્દેશ અપાયો છે અને હવે ખાનગી હોસ્પિટલમાં રસીકરણ બંધ થયું છે. આ કારણે જે લોકો પૈસા લઇ રસી લેવા માગે છે પણ એ રસ્તો બંધ થયો છે.
સરકારે ખાનગી હોસ્પિટલને તેની રીતે ખરીદી કરવા કહ્યું છે. રૂ.500 ભાવ નક્કી થયો છે, અત્યાર સુધી સરકાર જ ખાનગી હોસ્પિટલોને ડોઝ  આપતા હતા. રૂ.150 ભાવ અને રૂ.100 સર્વિસ ચાર્જ લેવાતો હતો. આ ભાવ પણ સરકારે જ નક્કી કરી આપ્યો હતો.
હવે સમસ્યા એ  છે કે, સરકાર-કોર્પોરેશન દ્વારા પુરવઠો  અપાતો નથી એટલે ખાનગી હોસ્પિટલના રસી કેન્દ્રો બંધ થયા છે, રાજકોટમાં મનપા હસ્તક 21 આરોગ્ય કેન્દ્ર અને 50 જેટલી શાળાઓમાં રસી વિનામૂલ્યે અપાય છે પણ ત્યાંય પુરવઠાની સમસ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તા.1લી મેથી  રસીકરણ બંધ છે.
ખાનગી હોસ્પિટલ કંપની પાસેથી રસી ખરીદી શકે છે પણ રસી ઉત્પાદક કંપની પહેલાં સરકારને રસી પુરી પાડે એ સ્વાભવિક છે એમાંય સમસ્યા છે. સીરમના  અદાર પુનાવાલાને કેટલાંક રાજ્યો અને મોટા માણસોના દબાણના ફોન આવ્યા. આ સ્થિતિમાં ખાનગી હોસ્પિટલ ધારે તો ય એને પુરવઠો મળે ખરો ? એ પ્રશ્ન છે. હોસ્પિટલના મોટા જૂથ માટે એ શક્ય બને. એકાદ જુથે ઓર્ડર આપ્યો પણ છે, પણ નાની હોસ્પિટલ માટે રસીકરણ મુશ્કેલ બની ગયું છે. આ સમસ્યાનો કોઇ ઉકેલ ખરો ?

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer