ગુજરાતમાં 5 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો

ગુજરાતમાં 5 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.7 : રાજ્યમાં કોરોનાના કેસોમાં હવે સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમાંય પાછલા ચારેક દિવસમાં કેસની સામે ડિસ્ચાર્જ થનારા દરદીઓની સંખ્યા વધતા અત્યારસુધીમાં 5 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો છે. દૈનિક નોંધાતા કેસોમાં છેલ્લા 24 કલાકમાં 481 કેસના ઘટાડા સાથે નવા 12064 કેસ નોંધાયા છે. જ્યારે 13085 દર્દી સાજા થયા છે. એટલે કે દૈનિક કેસ કરતા સાજા થનાર દર્દીની સંખ્યા 1021 વધારે છે. જો કે 24 કલાકમાં 119ના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 8154 પર પહોંચ્યો છે. બીજી બાજુ ગત રોજ કરતા આજે એક્ટિવ કેસના 1240 દર્દીનો ઘટાડો થતા એક્ટિવ કેસની સંખ્યા 1,46,385 છે, જેમાં 775 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આમ ગત રોજ કરતા આજે વેન્ટીલેટર પરના દર્દીમાં 11નો ઘટાડો નોંધાયો છે. આ સાથે કોરોનામાંથી ડીસ્ચાર્જ દર્દીનો આંક પણ પ લાખને વટાવીને 5,03,497 થયો છે. જેને લઇને રિકવરી રેટ 1 ટકો વધીને 76.52 ટકા થયો છે.
આજે સૌરાષ્ટ્રમાં 2722 નવા કેસ નોંધાયા હતા. જેમાં રાજકોટમાં 500થી ઓછા કેસ નોંધાયા હતા અને 59 દરદીના મૃત્યુ થયા હતા. જ્યારે જામનગરમાં સ્થિતિ યથાવત્ત રહેતા આજે પણ 700થી વધુ કેસ નોંધાયા હતા અને 79 દરદીએ અંતીમ શ્વાસ લીધા હતા. જ્યારે પાંચ જિલ્લામાં 100થી ઓછા કેસ નોંધાયા હતા. આજે સરકારે સૌરાષ્ટ્રમાં 52 કોવિડ ડેથ જાહેર કર્યા હતા. જેમાં મોરબીમાં એકેય મૃત્યુ જાહેર કરાયું નહોતું.
અમદાવાદ શહેરમાં આજે પણ 3,744 નવા દર્દીઓની સામે સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે  5,220 છે. સુરતમાં પણ આજે 903 નવા દર્દીઓ નોંધાયા તેની સામે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1,670  છે. રાજકોટ શહેરમાં પણ દાખલ થયેલા દર્દીઓ કરતા સાજા થઇને ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. રાજકોટમાં આજે 386 નવા દર્દીઓ દાખલ થયા છે જ્યારે 448 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં નવા 306 દર્દીઓ ઉમેરાયા છે, તેની સામે 499 દર્દીઓ સાજા થઈને ગયા છે. આણંદમાં 195 નવા દર્દીઓ સામે સાજા થઈને ગયેલા દર્દીઓ 229 છે. પાટણમાં 139 નવા દર્દીઓ દાખલ થયા છે, તેની સામે 210 દર્દીઓ સાજા થઈને ગયા છે. ગાંધીનગર શહેરમાં 131 નવા દર્દીઓ નોંધાયા છે, તેની સામે 161 દર્દીઓ સાજા થઈને ગયા છે. ભરૂચમાં નવા 114 દર્દીઓ છે, જ્યારે 169 દર્દીઓ સાજા થઈને ગયા છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં 112 નવા દર્દીઓની સામે 202 દર્દીઓ સાજા થઈને ગયા છે.
ગુજરાતમાં નોંધાયેલા 12064 કોરોનાના નવા કેસમાં અમદાવાદમાં 3847, સુરતમાં 1209, વડોદરામાં 1038, જામનગરમાં 726, રાજકોટમાં 496, ભાવનગરમાં 391, ગાંધીનગરમાં 286, જૂનાગઢમાં 482, મહેસાણામાં 497, ગીર સોમનાથમાં 231, પંચમહાલમાં 223, કચ્છમા 211, મહીસાગરમાં 210, બનાસકાંઠામાં 207, આણંદમાં 195, દાહોદમાં 190, અરવલ્લીમાં 155, નવસારીમાં 146, ખેડામાં 142, પાટણમાં 139, ભરૂચ, નર્મદા અને વાપીમાં 114-114, સુરેન્દ્રનગરમાં 112, સાબરકાંઠામાં 110, વલસાડમાં 102, છોટાઉદેપુરમાં 98, અમરેલીમાં 96, મોરબીમાં 80, દેવભૂમિ દ્વારકામાં 57, પોરબંદરમાં 32, બોટાદમાં 19 અને ડાંગમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 17, સુરતમાં 12, વડોદરમાં 9, જામનગરમાં 13, રાજકોટમાં 12, ભાવનગરમાં 11, જૂનાગઢમાં 7, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, કચ્છમાં 4, પાટણમાં 3, સાબરકાંઠામાં 4, દેવભૂમિ દ્વારકામાં 3, અરવલ્લી, ભરૂચ, વલસાડ, અમરેલી અને બોટાદમાં 2-2 મૃત્યુ થયા છે, જ્યારે ગીર સોમનાથમાં, પંચમહાલ, બનાસકાંઠા, આણંદ, દાહોદ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને પોરબંદરમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer