છોટા રાજનનું કોરોનાથી મૃત્યુ ? એઈમ્સે દાવો નકાર્યો

છોટા રાજનનું કોરોનાથી મૃત્યુ ? એઈમ્સે દાવો નકાર્યો
રિપોર્ટસમાં છોટા રાજનના મૃત્યુ બાદ એઈમ્સે કહ્યું, તેનો ઈલાજ ચાલી રહ્યો છે
નવી દિલ્હી, તા. 7 : કોરોના સંક્રમણના કારણે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના મૃત્યુના અહેવાલ સામે આવ્યા હતા. છોટા રાજનનું કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી. જો કે બાદમાં અહેવાલનું ખંડન કરવામાં આવ્યું હતું. તેના મૃત્યુના અહેવાલોને ખોટા ગણાવતા દિલ્હી એઈમ્સએ કહ્યું હતું કે, છોટા રાજનનો ઈલાજ ચાલી રહ્યો છે.
આ અગાઉ ઘણા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોનાના કારણે છોટા રાજને જીવ ગુમાવ્યો છે. કોરોના સંક્રમિત થયા બાદ  62 વર્ષિય છોટા રાજનને 25 એપ્રિલના રોજ તિહાડ જેલથી એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યો હતો. રાજન સાથે બે ડઝનથી વધારે કેસ ચાલી રહ્યા છે. જેમાંથી ચાર કેસમાં કોર્ટમાંથી સજા થઈ છે. છોટા રાજનને તિહાડ જેલ પરિસરની જેલ નંબર બેના અતિ સુરક્ષિત વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.
પહેલા છોટા રાજન દાઉદ ઈબ્રાહિમની ગેંગમાં હતો પણ દાઉદ ભારત વિરોધી શક્તિઓ સાથે મળતા તેનાથી અલગ થયો હતો. ત્યારબાદ બેંકોકમાં દાઉદના માણસોએ છોટા રાજન ઉપર હુમલો કર્યો હતો. જેમા ગંભીર રીતે ઈજા થઈ હતી અને પેટના આંતરડાના ભાગને નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ સીબીઆઈ દ્વારા જારી કરાવવામાં આવેલા ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધારે મલેશિયામાંથી ઝડપવામાં આવ્યો હતો અને 2015માં ભારત ડિપોર્ટ કરીને લાવવામાં આવ્યો હતો.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer